Mysamachar.in-જામનગર:
યુવાનીમાં પ્રવેશેલાં યુવક-યુવતિઓ પ્રેમમાં પડતાં હોય છે અને તેની માઠી અસરો ઘણાં કિસ્સાઓમાં સંબંધિત પરિવારોએ ભોગવવી પડતી હોય છે, જામનગર નજીકના મોટી ખાવડીમાં આવો એક બનાવ બન્યો હોવાનું પોલીસમાં નોંધાયું છે. એક છોકરીએ પ્રેમીને પામવા, માતાને સોફ્ટ ડ્રિંકમાં ઉંઘની ગોળીઓ પિવડાવી દીધી અને પછી ઘરમાં ‘હાથફેરો’ કરી રોકડ રકમ લઈ પ્રેમી સાથે ભાગી ગઇ. આ મામલામાં પ્રેમીનો ભાઈબંધ પણ ગૂમ છે. દીકરીના લાચાર પિતાએ દીકરી સહિત ત્રણેય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
મોટી ખાવડીમાં સમાજવાડી નજીક ઉત્તરપ્રદેશનો એક કુશવાહા પરિવાર વસવાટ કરે છે. પરિવારનો મુખિયા (ફરિયાદી) પાણીપુરી વેચવાનો વ્યવસાય કરે છે, જેનું નામ છોટેભાઈ ઉર્ફે મુળુભાઈ ગ્યાદીનભાઈ કુશવાહ છે, તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની દીકરી ખુશ્બુએ પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા, ભાગી જવા કાવતરૂં રચી, આ ફરિયાદીના પત્નીને એટલે કે દીકરીએ પોતાની માતાને કોલડ્રિંકમાં ઉંઘની ગોળીનો પાવડર પિવડાવી બેભાન કરી નાંખી, અને બાદમાં પ્રેમી અંભુજ અને અંભુજના ભાઈબંધ કપ્તાન સાથે મળી, પોતાના જ ઘરમાંથી રૂ. 3.50 લાખની રોકડ રકમની ચોરી કરી. અને બાદમાં આ ત્રણેય આરોપીઓ ક્યાંક ભાગી છૂટ્યા છે. આ ફરિયાદના આધારે પોલીસ તપાસ ચલાવી રહી છે. આ બનાવે નાના એવા ખાવડી ગામમાં ચકચાર મચાવી છે. ખુશ્બુના કારનામાની હવા ખાવડીમાં ગૂંજી રહી છે.
આ કુશવાહા પરિવાર ઉત્તરપ્રદેશના જાલોન જિલ્લાના માધવગઢ તાલુકાના ગોપાલપુરા ગામનો છે. અને આ પ્રકરણનો પ્રેમી તથા તેનો ભાઈબંધ પણ ગોપાલપુરાના જ રહેવાસી છે. આ બનાવને કારણે કુશવાહા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. દીકરી તો ભાગી ગઇ સાથે ઘરમાંથી ગરીબ પરિવારની મોટી કહી શકાય તેવી રોકડ રકમ પણ લેતી ગઈ. પાણીપુરી વેચી પરિવારનું ગુજરાન ચલાવતો દીકરીનો પિતા આ બનાવથી આઘાતમાં છે અને ખુદની દીકરી વિરુદ્ધ તેણે પોલીસ ફરિયાદ દાખલ કરાવવી પડી છે.સમગ્ર મામલાની તપાસ મેઘપર પડાણા પીએસઆઈ બી.બી.કોડીયાતર કરી રહ્યા છે.(symbolic image:source:google)