Mysamachar.in-ગાંધીનગર:
જમાનો ભેળસેળનો છે. માણસ પણ ચોખ્ખો ન રહ્યો હોય, માણસો જે ધંધાઓ કરી રહ્યા છે તેમાં કુંડાળાઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ચિંતાઓનો અને ગંભીર વિષય એ બન્યો છે કે, ખાદ્યચીજોમાં બેફામ ભેળસેળ થાય છે, સેંકડો ધંધાર્થીઓ પકડાઈ રહ્યા છે અને સરેરાશ લોકોની માન્યતા એવી છે કે, આવા હજારો કુંડાળિયાઓનાં ધંધા ધમધોકાર ધમધમી રહ્યા છે, કારણ કે તેઓને તંત્ર અને કાયદાઓનો કોઈ ડર નથી. તંત્રની ધાક જ નથી, તેનાં પણ ઘણાં અર્થ નીકળી શકે. લાખો લોકોના આરોગ્ય અને જિંદગી સાથે ઉઘાડેછોગ જોખમી રમતો રમાઈ રહી છે- જે અતિ ગંભીર મામલો છે.
શુદ્ધ ઘી ના નામે વેચાતું ઘી પણ શુદ્ધ હોતું નથી, જાણીતી બ્રાન્ડના નામે લોકોને ભેળસેળ પધરાવવામાં આવી રહી છે, આપણે નાણાં ખર્ચીને ખતરો ખરીદીએ છીએ અને આ અશુદ્ધ ચીજો ભરોસે પેટમાં પધરાવીએ છીએ, શુદ્ધ ઘી તરીકે વેચાતા ઘી માં વનસ્પતિ તેલ ઉપરાંત માનવ આરોગ્ય માટે જોખમી રસાયણો પણ ઉમેરવામાં આવે છે.
જામનગર શહેર ઉપરાંત હાલારમાં પણ અવારનવાર બનાવટી ઘી જપ્ત થયાની ખબરો વહેતી થતી રહે છે, કોઈને, કોઈ ફાંસીએ ચડાવી દેતું નથી, તેથી બધું પાછલાં બારણે ધમધમતું રહે છે. સમગ્ર રાજયમાં કુંડાળા ચિતરતા આ તત્વો લાખો રૂપિયાનો ગેરકાયદેસર વેપલો કરે છે, પકડાઈ જાય છે તે કેસોની સંખ્યા જૂજ છે. વિવિધ ખાદ્યચીજો દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં રહે છે.
રાજયમાં પાછલાં માત્ર 45 જ દિવસમાં 34,000 કિલો બનાવટી ઘી ઝડપાયું. કલ્પના કરો, આ ધંધાનું કુલ કદ- કુલ ટર્નઓવર કેવડું તોતિંગ હશે ?! અને લોકોના પેટમાં આવી કેટલાં પ્રકારની ભેળસેળ જતી હશે ?! ભેળસેળવાળું ઘી આકર્ષક રીતે જાણીતી બ્રાન્ડના નામે વેચી આ ધંધાર્થીઓ મોટો નફો અંકે કરતાં હોય છે. ઘી માં સોયાબીનની ભેળસેળ પણ વ્યાપક પ્રમાણમાં થાય છે. દીવાળીના તહેવારો દરમિયાન રાજયમાં તંત્રએ ઘી ના 624 નમૂનાઓ લીધાં, જેનાં રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે- દીવાળી તહેવારોમાં લોકોના પેટમાં ગયું એ ઘી કેવું હતું ?! ભગવાન જાણે.
-રાજયના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર કહે છે….
રાજયના આ વિભાગના વડા ડો. હેમંત કોશિયા કહે છે: શુદ્ધ ઘી ના નમૂનાઓ ચકાસતાં જોવા મળે છે કે, તેમાં સોયાબીન અને વનસ્પતિ તેલની મિલાવટ હોય છે ઉપરાંત શુદ્ધ ઘી તરીકે વેચાતા આ ઘીમાં એવું કેમિકલ ઉમેરવામાં આવે છે, જેના કારણે આધુનિક મશીનરીથી પણ ભેળસેળ પકડવી મુશ્કેલ બની રહી છે.