Mysamachar.in: દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કજૂરડા ગામે રહેતા ખેરાજભાઈ જેસાભાઈ ગોરડીયા નામના આસામીને વર્ષ 2016 ની સાલમાં સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શૌચાલય બનાવવા માટે જરૂરી ફોર્મ મેળવ્યા બાદ આ ફોર્મની પૂર્તતા કરવા તેમજ સભ્ય સચિવ તરીકે સહી કરી આપવા માટે કજૂરડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ભીખુભા બાલુભા જાડેજા સમક્ષ જતા તેમણે રૂપિયા 2,500 ની લાંચની માંગણી કરી હતી. જેને અનુલક્ષીને ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો.
આથી જે-તે સમયે એ.સી.બીએ અહીં લાંચનું છટકું ગોઠવીને આરોપીને લાંચની રકમ સ્વીકારતા ઝડપી લીધા હતા. આ અંગેનો કેસ ખંભાળિયાની પ્રિન્સિપાલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ કમલેશભાઈ સી. દવેની દલીલોને ગ્રાહ્ય રાખી, સેશન્સ જજ એસ.વી. વ્યાસએ આ કેસને પુરવાર માનીને આરોપી ભીખુભા બાલુભા જાડેજાને ચાર વર્ષની કેદની સજા તથા રૂપિયા 5,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.