Mysamachar.in-જામનગર:
જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે, એ લોકસભા ચૂંટણીના મતદાનનો દિવસ હવે એકદમ નજીક છે. આ ઘડીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. મંગળવારે મતદાન છે. આથી આવતીકાલે રવિવારે સાંજે પાંચ વાગ્યાથી રાજકીય પક્ષો અને ઉમેદવારોના જાહેરમાં થતાં પ્રચારના ભૂંગળા બંધ થઈ જશે. અને બાદમાં ઉમેદવારો તથા કાર્યકર્તાઓ મતદારોની રૂબરૂ મુલાકાત માટે ઘરે ઘરે ઘૂમી વળશે. જો કે, ચૂંટણીઓમાં લોકસભા મતવિસ્તાર ખૂબ મોટો હોય છે તેથી ઉમેદવારો બધાં જ મતદારોને મળી શકે એવું લગભગ શક્ય નથી હોતું પરંતુ આમ છતાં ઉમેદવારો શક્ય એટલાં વધુ મતદારો સુધી પહોંચવા પ્રયત્ન કરતાં જ હોય છે. સાથેસાથે રાજયમાં મોટાં નેતાઓની બેઠકો પણ થતી હોય છે. છેલ્લી ઘડીના અનુમાનો થતાં હોય છે, મતવિસ્તારોના માહોલની સમીક્ષા થતી હોય છે અને આખરી વ્યૂહરચનાઓ ઘડાતી હોય છે. જે પૈકી અમુક વ્યૂહ ચર્ચાસ્પદ અથવા વિવાદાસ્પદ પણ બનતાં હોય છે.
ગુજરાતમાં આ વખતે 26 પૈકી 25 લોકસભા બેઠક પર મતદાન થશે. એ પહેલાં વધુમાં વધુ મતદારો સુધી પહોંચવા વિવિધ ઉપાયો અજમાવવામાં આવશે. મંગળવારે મતદાન થાય એ પહેલાં રવિવારે રાત્રે અને સોમવારે આખો દિવસ, શક્ય તેટલાં વધુ મતદારોને મતદાનની યાદ અપાવવામાં આવશે. મતદાન માટે અપીલો અને અનુરોધો થશે.
રવિવારની સાંજના પાંચ વાગ્યા બાદ, મતદારોને લોભાવવા સંગીત સમારોહ સહિતના મનોરંજક કાર્યક્રમ યોજી શકાશે નહીં. ઘરેઘરે ચૂંટણી પ્રચારના કાર્યક્રમ અંતર્ગત વધુમાં વધુ પાંચ વ્યક્તિઓ મતદારોના ઘરોની મુલાકાત લઈ શકે. સમગ્ર રાજ્યમાં આવતીકાલની સાંજ પહેલાં રોડ-શો સહિતના પ્લાનિંગ થઈ રહ્યા છે.
(પ્રતિકાત્મક તસ્વીર સૌજન્ય ગુગલ)