Mysamachar.in-સુરત
સુરત શહેર સહીત સમગ્ર રાજ્યના પોલીસબેડામાં ખળભળાટ મચાવનાર ઉધના પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ અમિતા જોશીના આપઘાત કેસમાં મહિધરપુરા પોલીસને અમિતાના પતિના પુરાવા સમાન રેકોર્ડિંગ સોંપવામાં આવ્યું છે. આ સાથે પોલીસે અમિતા જોશીની કોલ-ડિટેઈલ પણ કબજે કરી છે. બીજી તરફ, પોલીસે અમિતાના પતિના જે સ્ત્રી સાથે આડાસંબંધ હતા તેની પણ પૂછપરછ કરવા તજવીજ હાથ ધરી છે. ઉધના પોલીસ સ્ટેશનના પીએસઆઈ અમિતા જોશીએ સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ કેસમાં અમિતાના પિતાએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં અમિતાનાં પતિ વૈભવ, સાસુ, સસરા અને બે નણંદ સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો. સાસરિયાં નોકરીમાંથી રાજીનામું આપવા અને તેણે કાર-ફ્લેટ પતિનાના નામે કરી દેવા ત્રાસ આપતાં હતાં. સાસરિયાંના ત્રાસ સાથે પતિ વૈભવના આડાસંબંધથી સતત તણાવમાં રહેતી હતી.
અમિતાના પિતા બાબુભાઈ, બહેનો સહિતના પિયરિયાંએ સુરત આવી મહિધરપુરા પોલીસમાં અમિતાનાં સાસરિયાં વિરુદ્ધ વિગતવાર નિવેદન નોંધાવ્યું હતું. આ સાથે અમિતાએ પણ પતિ સાથે ફોન વાત દરમિયાન તેના અફેર અને ત્રાસનું રેકોર્ડિંગ કરી બહેનને મોકલી આપ્યું હતું, જે તમામ કોલ રેકોર્ડિંગ પિયરિયાંએ પોલીસને સોંપ્યું છે. પોલીસે મૃતક અને આરોપીઓની કોલ-ડિટેઈલ પણ મેળવી તપાસ હાથ ધરી છે. પોલીસે હવે અમિતાના પતિના જે સ્ત્રી સાથે આડાસંબંધ હતા તેની પણ પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરી છે.