Mysamachar.in:ગુજરાત
RTI એટલે કે માહિતી અધિકાર અધિનિયમ લોકશાહીનાં મજબૂતીકરણ અને પારદર્શિતા માટે ખૂબ જ શક્તિશાળી કાયદો છે પરંતુ તેનાં અમલીકરણમાં જે સરકારી પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે તે પદ્ધતિઓ આ કાયદાનાં આત્માને હણી નાંખે છે. આ મતલબની એક અરજી તાજેતરમાં છેક સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી ! સર્વોચ્ચ અદાલતે માહિતી અધિકાર ધારા 2005(RTI)ની જોગવાઇઓનું અમલીકરણ સુનિશ્ચિત કરવા કેન્દ્રીય માહિતી આયોગ અને રાજયોનાં માહિતી પંચોને તાકીદ કરી છે. જાહેર સત્તાવાળાઓ દ્વારા માહિતીઓની સુઓમોટો જાહેરાત પર અદાલતે ખાસ સૂચનાઓ આપી છે.
મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડની આગેવાની હેઠળની ત્રણ ન્યાયમૂર્તિઓની બેન્ચે જણાવ્યું છે કે, સત્તાવાળાઓની જાહેર જવાબદારી એક નિર્ણાયક પરિબળ છે. જે સરકાર અને લોકો વચ્ચેનાં સંબંધો નક્કી કરે છે. સત્તા અને જવાબદારી એકસાથે ચાલતી બાબતો છે. તમામ નાગરિકોને માહિતી ધારાની કલમ 3 હેઠળ માહિતી મેળવવાનો અધિકાર છે. જયારે માહિતી આપવી તે સત્તાવાળાઓની જવાબદારીનાં સ્વરૂપમાં આ જ ધારાની કલમ 4 હેઠળ ફરજ છે. ખંડપીઠે જણાવ્યું કે, અમે આદેશ આપીએ છીએ કે, સેન્ટ્રલ માહિતી આયોગ અને રાજયોનાં માહિતી આયોગો ધારાની કલમ 4 નાં આદેશનાં અમલીકરણ પર સતત ધ્યાન રાખે. માહિતી અધિકાર કાનૂનની કલમ 4 જાહેર સત્તાવાળાઓની જવાબદારી સંબંધિત છે.
સર્વોચ્ચ અદાલતે માહિતી અધિકાર અધિનિયમની જોગવાઇઓનાં અસરકારક અમલીકરણની માંગ કરતી એક અરજીનાં સંદર્ભમાં ઉપરોકત ચુકાદો આપ્યો છે. આ ધારાની જોગવાઈ હેઠળ જાહેર સત્તાવાળાઓએ તેમની કામગીરીની વિગતો અને મહત્વપૂર્ણ માહિતી પોતાની મેળે એટલે કે સુઓમોટો જાહેર કરવી પડે છે. જાહેર હિતની આ અરજીમાં અરજદારે એવી દલીલ કરી હતી કે, આ જોગવાઈ RTI નો આત્મા છે. જેનાં વિના આ માત્ર શોભાનો કાયદો બની જાય છે. આ અરજીમાં કેન્દ્રીય માહિતી આયોગનો એક રિપોર્ટ પણ ટાંકવામાં આવ્યો હતો જેમાં કલમ 4 નાં આદેશનાં નબળાં અમલીકરણનો ઉલ્લેખ છે.






