Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ગઈકાલે ગુરુવારે રજૂ કરેલા રાજ્યના અંદાજપત્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે નગરપાલિકાઓની અપગ્રેડ કરવાની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ખંભાળિયા અને દ્વારકા નગરપાલિકાને અપગ્રેડ કરવાની જાહેરાતના પગલે આ વિસ્તારની જનતામાં આનંદની લાગણી ફેલાઈ છે.
ખંભાળિયા નગરપાલિકા હાલ સી ગ્રેડની નગરપાલિકા છે. જેમાં 2011 ની સાલમાં માત્ર 41 હજારની જ વસ્તી હતી. તે પછી વર્ષ 2025 માં આ વસ્તી અંદાજીત 80,000 થી વધુ થઈ ગઈ છે. આ પછી ખંભાળિયાના ધારાસભ્ય મુળુભાઈ બેરા દ્વારા શહેરના વિકાસ માટે ખંભાળિયા શહેર સંલગ્ન આવેલી જુદી જુદી ચાર ગ્રામ પંચાયતો કે જે ખંભાળિયા શહેરની જ કેટલીક સોસાયટીમાં વિકાસ પામી રહ્યો છે, તે ખંભાળિયામાં ભળી જવા બાબતે તત્કાલીન જિલ્લા કલેકટર અશોક શર્મા, મુકેશ પંડ્યા અને જી.ટી. પંડ્યા ઉપરાંત વર્તમાન જિલ્લા કલેકટર આર.એમ. તન્નાએ પણ જરૂરી જહેમત ઉઠાવી હતી. આ સાથે સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચો, આગેવાનો વિગેરે સાથે ચાર ગ્રામ પંચાયતના સરપંચો વિગેરે સાથે સંકલન કરાવીને તાજેતરમાં પાલિકા દ્વારા આ દરખાસ્ત કરવામાં આવી હતી. જેથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નગરપાલિકા અને અપગ્રેડ કરવાની દરખાસ્ત થઈ છે. જેમાં ખંભાળિયા નગરપાલિકા આગામી દિવસોમાં એ ગ્રેડની બની જશે. ખંભાળિયા નગરપાલિકા અપગ્રેડ થતા અહીં મળતી ગ્રાન્ટમાં વધારો થશે અને વિકાસને વેગ મળશે.

દ્વારકા નગરપાલિકાની વાત કરીએ તો વર્ષ 2011 માં વસ્તી ગણતરીમાં અહીં માત્ર 38 હજારની જ વસ્તી હતી. જે હાલ 2025 ના પ્રારંભે આશરે 75 હજારથી વધુ થઈ ગઈ છે. સાથે દ્વારકા શહેર યાત્રાધામ તરીકે ખૂબ જ વિકસી રહ્યું હોય અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચારધામ પૈકીના આ એક યાત્રાધામના વિશેષ વિકાસ માટે અહીં પ્રાધાન્ય આપવામાં આવે છે. જેને અનુલક્ષીને દ્વારકા નગરપાલિકા આગામી દિવસોમાં સી ગ્રેડમાંથી બી ગ્રેડની બની રહેશે.