Mysamachar.in:ગાંધીનગર
રાજય સરકારની ફિક્સ પે (કરાર આધારિત વેતન)નીતિનો કર્મચારીઓ દ્વારા થતો વિરોધ હવે આગળ વધી રહ્યો છે. નવા કાર્યક્રમોની જાહેરાતો થઈ રહી છે. વિવિધ વિભાગોમાં કામ કરતાં સરકારી કર્મચારીઓ દ્વારા સરકારની ફિક્સ પગારધોરણની નીતિનો વિરોધ જોવા મળી રહ્યો છે. આ વિરોધનાં ભાગરૂપે આગામી રક્ષાબંધન તહેવાર પૂર્વે 28મી એ સરકારમાં ઉચ્ચકક્ષાએ પત્ર તથા રાખડીઓ મોકલવાનો કર્મચારીઓએ નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. આ સાથે જ આગામી મહિનાઓમાં કર્મચારીઓ દ્વારા જે વિરોધ કાર્યક્રમો આપવાનાં છે તેની પણ ચર્ચાઓ શરૂ થઈ છે.
ફિક્સ પગારધોરણની નીતિનો વિરોધ કરવા અંગે નિર્ણયો લેવા તાજેતરમાં આ કર્મચારીઓની એક બેઠક ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી. નિર્ણય અનુસાર, ફિક્સ પગાર ધરાવતાં કર્મચારીઓ સરકારને પત્ર લખશે. તેની સાથે રાખડીઓ પણ મોકલશે અને 28મી એ રક્ષા ઉત્સવ ઉજવશે. આ બેઠકમાં કર્મચારીઓએ એમ પણ જણાવ્યું કે, સુપ્રિમ કોર્ટમાં જે કેસ કરવામાં આવ્યો છે તે પરત ખેંચી લેવામાં આવે અને આ તમામ કર્મચારીઓને રેગ્યુલર પોસ્ટીંગ આપવામાં આવે. કર્મચારીઓ કહે છે: જો સરકાર યોગ્ય પ્રતિભાવ નહીં આપે તો, 7મી સપ્ટેમ્બરે જન્માષ્ટમીએ સરકારી આવાસોમાં મટકીફોડ કાર્યક્રમો યોજવામાં આવશે.
બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર, 16મી સપ્ટેમ્બરે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવશે. નવરાત્રિમાં પણ ‘રિમૂવ ફિક્સ પે’ નાં દીવડાઓ કરી વિરોધ નોંધાવવામાં આવશે. ગરબા લેવામાં આવશે. 4 નવેમ્બરે બ્લેક સેટરડે મનાવવા ઓફિસમાં તમામ કર્મચારીઓ કાળા વસ્ત્રો ધારણ કરશે. આ રીતે કર્મચારીઓએ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બરનાં વિરોધ કાર્યક્રમ જાહેર કરી દીધાં છે.