Mysamachar.in-અમદાવાદ:
સમગ્ર ગુજરાતમાં તબીબી ક્ષેત્રમાં, ખાસ કરીને કોલેજોમાં પ્રવેશ મુદ્દે અરાજકતા અને વિલંબ તથા વિરોધની સ્થિતિ જોવા મળી રહી છે ! નર્સિંગ સહિતનાં પેરામેડિકલ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયામાં વિલંબની સાથેસાથે હવે મેડિકલ તથા ડેન્ટલ છાત્રોમાં પણ ઉચાટ જોવા મળી રહ્યો છે, તેઓ પ્રવેશ માટેનાં નવાં નિયમનો વિરોધ કરી રહ્યા છે.
અત્યાર સુધી મેડિકલ તથા ડેન્ટલ કોલેજમાં પ્રવેશ મેળવવા એ પ્રકારની વ્યવસ્થા હતી કે, પ્રવેશ માટેનાં પ્રથમ અને બીજા રાઉન્ડમાં જે છાત્રોનું એડમિશન ફાઈનલ ન થયું હોય તેઓને પ્રવેશ માટેનાં ત્રીજા અને ચોથા રાઉન્ડમાં પણ ગણતરીમાં લેવામાં આવતાં હતાં. નેશનલ મેડિકલ કમિશનનો નવો નિયમ એવો છે કે, જે છાત્રોનું એડમિશન પ્રથમ અને બીજા રાઉન્ડમાં નક્કી ન થયું હોય તેઓને ત્રીજા રાઉન્ડમાં પસંદગીની તક આપવામાં ન આવે. આ નવાં નિયમનો વિરોધ ઉઠયો છે.
છાત્રોનું કહેવું એમ છે કે, અગાઉની માફક પ્રવેશ માટેનાં ત્રીજા અને ચોથા રાઉન્ડમાં પણ છાત્રોને તક આપવામાં આવે તો તેઓ સરકારી સહિતની કોઈ પણ મેડિકલ અથવા ડેન્ટલ કોલેજમાં પ્રવેશ મેળવી શકે. પ્રવેશથી વંચિત ન રહે. આથી છાત્રો દ્વારા નવાં પ્રવેશ નિયમનો વિરોધ થઈ રહ્યો છે.આગામી દિવસોમાં આ અડચણના નિરાકરણ માટે છાત્રો તથા વાલીઓનું એક પ્રતિનિધિમંડળ ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર સમક્ષ આ મુદ્દાની વિસ્તૃત રજૂઆત કરશે.