Mysamachar.in-અમદાવાદઃ
મેટ્રોસિટી અમદાવાદમાં વધુ એક કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. ઓઢવમાં સરણીયાવાસમાં બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન 13 લલનાઓને મુક્ત કરાવી બે મહિલા દલાલ તથા હવસની ભૂખ મટાડવા આવેલા પાંચ ગ્રાહકોની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે અહીં છેલ્લા ચાર-પાંચ વર્ષથી દેહવ્યાપાર ચાલતો હતો. પ્રાપ્ત વિગત પ્રમાણે પોલીસને બાતમી મળી હતી કે સરણીયાવાસમાં ધનીબહેન સરણીયા અને લક્ષ્મીબહેન સરણીયા નામની બે મહિલા દલાલ અલગ અલગ રૂમો અને છાપરાંઓમાં દેહવ્યાપાર ચલાવે છે. જેના આધારે સરણીયાવાસમાં દરોડો પડ્યો હતો. દરોડા કાર્યવાહી દરમિયાન અલગ અલગ ચાર રૂમ અને પાંચ છાપરાંઓમાંથી કુલ 13 જેટલી મહિલાઓ મળી આવી હતી. તેમજ શરીરસુખ માણવા આવેલા પાંચ ગ્રાહકો મળી આવ્યા હતા. પોલીસે મહિલાઓની પુછપરછ કરતા મહિલા દલાલ ધનીબહેન સરણીયા અને લક્ષ્મીબહેન સરણીયા છેલ્લા ચાર-પાંચ વર્ષથી ત્યાં જ રહેવાની વ્યવસ્થા કરી અને તેઓ પાસે દેહવ્યાપાર કરાવે છે જેના બદલામાં તેઓને રૂપિયા આપે છે. પોલીસે કુલ સાત લોકોની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે.