Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજયમાં કયાંય પણ સ્પાનો બિઝનેસ ચાલતો હોય તો ત્યાં કાયદા મુજબ, દેહવિક્રય ગુનો બને છે પરંતુ તેમાં કેટલીક સ્પષ્ટતાઓ આવશ્યક છે, એવું એક કેસ દરમિયાન રાજ્યની વડી અદાલતમાં જાહેર થયું છે. વડી અદાલતમાં સ્પા સંબંધી એક કેસ ચાલવા પર આવ્યો હતો. આ કેસની સુનાવણી દરમ્યાન કેટલીક સ્પષ્ટતાઓ થઈ હતી, જે કાયદાકીય જાણકારીઓ માટે આવશ્યક હોય અદાલતે વિસ્તૃત રીતે તેનો ચિતાર આપ્યો હતો.
આ કેસમાં અદાલતે કહ્યું: આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ થયેલી FIR રદ્દ કરવા આથી જણાવવામાં આવે છે. ઈમમોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એકટની જોગવાઇઓ સ્પષ્ટ કરતાં અદાલતે ઠરાવ્યું કે, કાયદાની જોગવાઈઓ મુજબ અરજદાર ગ્રાહક (અહીં આરોપી) વિરુદ્ધ ગુનો દાખલ કરી શકાય નહીં. તેઓ સ્પામાં જનારા ગ્રાહકો હતાં. અને તેઓ કાયદાની વિવિધ ધારાઓ હેઠળ સ્પષ્ટ કરવામાં આવેલી કેટેગરીમાં આવતાં નથી.
અદાલતે આ કેસમાં કહ્યું: તેઓ ગ્રાહક છે, સ્પા તેમનું નથી, તેઓ પોતાનું ગુજરાન ચલાવવા કૂટણખાનું ચલાવતાં નથી. તેઓ માનવ તસ્કરીના ગુનામાં પણ સંડોવાયેલા નથી. આ કેસમાં બે ગ્રાહકોએ તેઓ વિરુદ્ધ દાખલ થયેલી FIR રદ્દ કરાવવા અરજી કરી હતી. આ FIR સુરતના ઉમરા પોલીસ મથકમાં દાખલ થયેલી. સરકારે ગ્રાહકોની આ અરજીનો અદાલતમાં વિરોધ કરી, અરજી રદ્દ કરવા દલીલ પણ કરી હતી.
રેઈડ સમયે સ્પાનો મેનેજર પણ ઝડપાયો હતો. તેણે કબૂલાત આપી કે, આ ગ્રાહકો પાસેથી વધારાના નાણાં લઈ તેઓને આ સર્વિસ આપવામાં આવે છે. દરોડા સમયે આ ગ્રાહકો સ્પામાં છોકરીઓ સાથે મળી આવ્યા હતાં. અદાલતે કહ્યું: આ તમામ બાબતો સીધેસીધી કબૂલી લેવામાં આવે તો પણ, ઈમમોરલ ટ્રાફિક એક્ટની જોગવાઈઓ હેઠળ આ ગ્રાહકોની આ ગુનામાં સંડોવણી ગણી શકાય નહીં.
અદાલતે એ પણ સ્પષ્ટતા કરી કે, આ કાયદા હેઠળ કૂટણખાનામાં માલિક કે મેનેજર દ્વારા ચલાવવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃતિઓ માટે ગ્રાહકને જવાબદાર ઠેરવી શકાય નહીં. તેથી આ અરજદાર ગ્રાહકો વિરુદ્ધની FIR રદ્દ કરવી જોઈએ. બન્ને તરફની દલીલો સાંભળી લીધાં બાદ, હાઈકોર્ટે કહ્યું: કાયદાની ધારા-3 મુજબ કૂટણખાનાને મેનેજ કરનાર મેનેજર વિરુદ્ધ ગુનો બને છે. ધારા-4 મુજબ 18 વર્ષથી વધુ વયની વ્યક્તિ પોતાની જાણ હેઠળ વેશ્યાવૃત્તિમાં સંડોવાયેલી હોય તો તે ગુનો બને છે.