Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતીઓ એક તરફ વધુ ને વધુ સમૃધ્ધ બની રહ્યા છે પરંતુ હકીકત એ છે કે, ગુજરાતીઓ ‘સુખી’ નથી. સૌ દવાઓ પર જિંદગીઓ પસાર કરી રહ્યા છે. અહીં અબજો રૂપિયાની દવાઓનું વેચાણ થઈ રહ્યું છે, અને વેચાણમાં સતત વધારો થઈ રહ્યો હોય, આ ટ્રેન્ડ ચિંતાપ્રેરક લેખાવી શકાય. આટલી બધી બિમારીઓ શા માટે આવી રહી છે, તેની ખરેખર તો તપાસ થવી જોઈએ.
આંકડાઓ કહે છે કે, બધાં જ પ્રકારની મુખ્ય બિમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. દવાઓનું વેચાણ વધી રહ્યું છે. અને, દવાઓના આ વેચાણના વૃદ્ધિદરની ટકાવારી પણ ચિંતાજનક છે. સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં મફત દવા આપવામાં આવે છે, જે અલગ અને કરોડો રૂપિયાની દવાઓ લોકો મેડિકલ સ્ટોરમાંથી બિલ વગર જ ખરીદતાં હોય છે, તે પણ અલગ. જે દવાઓના બિલ બન્યા છે, તે આંકડાઓ પણ સતત વધી રહ્યા છે. એટલે કે, રેકર્ડ પર જે બિમારીઓ દેખાઈ રહી છે તેનાથી અનેકગણી બિમારીઓ ગુજરાતીઓ ભોગવી રહ્યા છે.
આંકડા કહે છે: એક વર્ષ અગાઉ સપ્ટેમ્બર-23 એક જ મહિનામાં હ્રદયરોગ સંબંધિત દવાઓનું વેચાણ જે રૂ. 125 કરોડનું હતું તે 7 ટકા વધીને 2024ના સપ્ટેમ્બરમાં રૂ. 134 કરોડ થઈ ગયું. એ જ રીતે, ચેપવિરોધી દવાઓનું એક જ મહિનાનું વેચાણ 20 ટકા જેટલું ઉછળીને રૂ. 93 કરોડમાંથી રૂ. 112 કરોડ થઈ ગયું. ગેસની દવાઓનું વેચાણ એક વર્ષ અગાઉ મહિને રૂ. 79 કરોડ હતું તે 19 ટકા ઉછળી આ સપ્ટેમ્બરમાં રૂ. 93 કરોડ થઈ ગયું.
ડાયાબીટીસની દવાઓ 2023ના સપ્ટેમ્બરમાં રૂ. 73 કરોડની વેચાણ થઈ હતી જે સપ્ટેમ્બર 2024માં 16 ટકા વધી ગઈ. અને, આ એક જ મહિનાનું વેચાણ રૂ. 85 કરોડ થઈ ગયું. એ જ રીતે, વિટામિનની દવાઓ સપ્ટેમ્બર-23માં રૂ. 73 કરોડની વેચાણ થયેલી, સપ્ટેમ્બર-24માં આ વેચાણ રૂ. 77 કરોડનું થઈ ગયું. સપ્ટેમ્બર-23માં મગજ સંબંધિત રોગોની દવાઓ રૂ. 52 કરોડની વેચાણ થઈ હતી, આ વેચાણ 17 ટકા વધીને સપ્ટેમ્બર-24માં રૂ. 61 કરોડની દવાઓનું વેચાણ થયું. આ ઉપરાંત શ્વસન તંત્ર સંબંધિત રોગોની દવાઓનું વેચાણ સપ્ટેમ્બર-23માં રૂ. 56 કરોડનું હતું. આ વેચાણ 7 ટકા વધીને સપ્ટેમ્બર-24માં રૂ. 60 કરોડનું થઈ ગયું. આ તો માત્ર મુખ્ય રોગોની જ વાત અન્ય સેંકડો નાના રોગોની દવાઓનું વેચાણ અલગ. ટૂંકમાં, વિકસિત ગુજરાત સ્વસ્થ નથી.(symbolic image source:google)