Mysamachar.in-અમદાવાદ:
અચલ એટલે કે સ્થાવર મિલકતના મામલામાં સુપ્રિમ કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. જેની અસરો ખૂબ જ વ્યાપક રીતે જોવા મળશે. પ્રોપર્ટીના માલિકીહક્ક અંગે આ ચુકાદામાં સ્પષ્ટતાઓ કરવામાં આવી છે, જેને કારણે અચલ મિલકતના ટ્રાન્સફર કેસમાં વચેટિયાઓની આપોઆપ બાદબાકી થઈ ગઈ.
લાખો એવી સ્થાવર મિલકતો હોય છે જેમાં પાવર ઓફ એટર્ની અથવા વીલ દ્વારા મિલકતનો કબજો અન્ય વ્યક્તિને ટ્રાન્સફર થતો હોય છે. આ રીતે મિલકત ટ્રાન્સફર થવા માત્રથી મિલકત કબજેદારને મિલકતનો માલિકી હક્ક મળી જશે નહીં. આ મિલકતનું સેલ ડીડ એટલે કે વેચાણ કરાર સરકારમાં રજિસ્ટર્ડ થશે પછી જ મિલકતધારકને તે મિલકતનો માલિકી હક્ક પ્રાપ્ત થઈ શકશે.
સુપ્રિમ કોર્ટમાં જસ્ટિસ બી.વી.નાગરત્નાના વડપણ હેઠળની ખંડપીઠે આ સ્પષ્ટતાઓ કરી છે. ખંડપીઠે કહ્યું: 1882 ના ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની સેકશન 54ની જોગવાઈ મુજબ પ્રોપર્ટી ટ્રાન્સફર ફક્ત રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ દ્વારા જ થઈ શકે. અદાલતે સ્પષ્ટ કર્યું કે, સંપતિનું પઝેશન લઈ લેવા માત્રથી તે સંપત્તિનો માલિકીહક્ક પ્રાપ્ત થઈ જતો નથી.
અત્રે ઉલ્લેખનિય છે: આ મામલે જોગવાઈ છે કે, રૂ. 100 કે તેથી વધુ મૂલ્યની કોઈ પણ અચલ સંપત્તિનું વેચાણ પણ ત્યારે જ માન્ય ગણાશે જ્યારે આ વેચાણ રજિસ્ટર્ડ દસ્તાવેજ દ્વારા કરવામાં આવ્યું હોય. એ પણ નોંધનીય છે કે, હાલની વ્યવસ્થાઓમાં મિલકતોનો કબજો પાવર ઓફ એટર્ની અને વીલ દ્વારા પણ અન્ય વ્યક્તિઓને આપવામાં આવતો હોય છે, આમ કરવાથી તે મિલકતનો માલિકીહક્ક પ્રાપ્ત થઈ શકે નહીં.