Mysamachar.in-જામનગર
આજે જયારે આપણે આહારની વાત કરી રહ્યા છીએ ત્યારે ભારતમાં ફાસ્ટ ફૂડ એ સૌથી ઝડપથી વિકાસ કરતો એક વ્યવસાય બની ગયો છે. જ્યાં જુઓ ત્યાં નવા નવા ફાસ્ટ ફૂડના મથકો દેખાશે. અલગ અલગ અવનવી વાનગીઓને સરળતાથી સ્વાદની મેળવવાની લ્હાયમાં આપણે આપણા શરીરની તંદુરસ્તી માટે યોગ્ય અને આવશ્યક ખોરાક આપવાને બદલે આપણે સીધા ફાસ્ટ ફૂડ તરફ જઈએ છીએ. ભારતીય સંસ્કૃતિ વિવિધતાથી ભરેલી છે. આપણી સંસ્કૃતિની વિવિધતા સાથે આપણા દેશમાં ખાવાની વાનગીઓમાં પણ વિવિધતા જોવા મળે છે.
પરંતુ પશ્ચિમી સંસ્કૃતિના વળગણને કારણે મોટા શહેરોમાં હવે લોકો બહારનું ખાવાનો જ આગ્રહ રાખતા હોય છે. બહારનું ખાવાના સ્વભાવને એક ફેશન માનવામાં આવે છે. એમાંય મોટા શહેરોમાં ખાસ શનિ અને રવિવારે તો બહાર જ ખાવાનું એવું નક્કી જ હોય છે. તે દિવસે ફરજિયાત રસોડાને તાળું જ હોય. આપણે એ ન ભુલવું જોઈએ કે આવા જંક ફૂડમાંથી આપણા શરીરને જરૂરી એવા પ્રોટીન, વિટામીન, મિનરલ્સ વગરે કશું જ મળતું નથી અને લાંબા ગાળે આ જંક ફૂડ બિમારીઓનું કારણ બને છે.
આપણી પારંપારિક ખાણી-પીણીની વસ્તુઓ અથવા ઘરમાં બનાવેલ વાનગીઓમાં વિવિધ શાકભાજી, કઠોળ, દૂધ વગેરેને રોજ આરોગીએ તો આપણને વિવિધ ગંભીર બીમારીઓમાંથી બચી શકીશું. વિવિધ સર્વેના તારણ પછી એવું સિદ્ધ થયું છે કે, ‘રોજબરોજ ફળો અને શાકભાજીનું સેવન હાર્ટ-અટેક જેવી મોટી બિમારીથી આપણા શરીરનું રક્ષણ થાય છે અને ડાયાબિટીસ, કૅન્સર જેવી ગંભીર બીમારીઓ સામે પણ રક્ષણ થાય છે.’ શાકભાજી અને ફળોમાં કૅલરીનું પ્રમાણ ઓછું અને વિટામીન તેમજ મિનરલ્સનું પ્રમાણ વધુ હોય છે.
જે આપણા સ્વાસ્થ્યની સંપૂર્ણ સંભાળ રાખે છે. તેમજ આપણને નિરોગી બનાવે છે. જેની સામે જંક ફૂડમાં વધારે પડતી કૅલરી હોય છે. જ્યારે વિટામીન તથા મિનરલ્સમાં તે નહિવત્ હોય છે. જેથી જંક ફૂડ લાંબા ગાળે ઘણી બીમારીઓનું કારણ બને છે. આ સિવાય જંક ફૂડમાં વિવિધ એવાં ઘટકો ઉમેરેલા હોય છે જે આપણા શરીર માટે નુકસાનકારક છે. ફાસ્ટ ફૂડની મોટાભાગની વાનગીઓમાં ચરબી વધારતા ઘટકો હોય છે જે આપણા હૃદય માટે ખૂબ જ નુકસાનકારક છે.
આજના સમયમાં નાના બાળકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં જંક ફૂડ પ્રત્યે વધારે પડતો લગાવ હોય છે. નાનપણથી જ બાળકને આવા જંક ફૂડની આદત પાડવામાં આવે છે. આપણે આપણા બાળકને આ જંક ફૂડની દુનિયામાંથી બહાર લાવી તંદુરસ્ત ખોરાક આપવો જોઈએ. નાનપણથી જ બાળકને વિવિધ ફળો, શાકભાજી, અનાજ, કઠોળ, દૂધ વગેરે આહાર તરીકે આપવાની શરૂઆત કરવી જોઈએ અને જંક ફૂડથી તો દૂર રાખવા જોઈએ. તંદુરસ્ત ખોરાકથી બાળકનું મગજ તેજ બને છે, વધારે કાર્યક્ષમ બને છે અને શરીર રોગ મુક્ત રહે છે.
નાનપણથી જ બાળકોને જંક ફૂડની આદત એમના વિકાસમાં એક અવરોધ સાબિત થાય છે.આપણે આપણા રોજબરોજના જીવનમાં જમવામાં ઉપયોગમાં લેવાતી વિવિધ વસ્તુઓ અને વાનગીઓ તેમજ હાલના બદલાયેલા સમય પ્રમાણે બહારી ખાણી-પીણીની વસ્તુઓથી આપણા શરીરને થતા ફાયદા-નુકસાન અંગે જાગૃત રહેવાની જરૂર છે. આપણા શરીરમાં વિવિધ વિટામીન, પ્રોટીન અને મિનરલ્સ સપ્રમાણ જળવાય એ પ્રમાણેનું આપણે ભોજન લેવું જોઈએ અને સ્વસ્થ જીવન જીવવું જોઈએ.