Mysamachar.in-જામનગર:
ગુજરાત સરકારે દરિયાકિનારાના ચોક્કસ વિસ્તારોની જરૂરિયાતો ધ્યાનમાં રાખી એક મહત્વાકાંક્ષી યોજના 2020માં શરૂ કરાવી. આ યોજના અંતર્ગત રાજ્યમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત કુલ 4 સ્થળોએ ખારાં પાણીમાંથી મીઠું પાણી બનાવવા માટે પ્રોજેક્ટસ શરૂ કરવામાં આવશે એવી જાહેરાત થયાના સાડા ત્રણ વર્ષ પછી, આજે પણ આ ચારમાંથી એકેય પ્રોજેક્ટ આગળ વધી શક્યો નથી.
હાલમાં જાહેર થયેલી વિગતો અનુસાર, દ્વારકા- ભાવનગર- કચ્છ અને ગીર સોમનાથ જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવેલા આ પ્રોજેક્ટસ વિવિધ કારણોસર હજુ શરૂ થઈ શક્યા નથી. આ ચાર જિલ્લાઓમાં દરિયાના ખારાં પાણીને પિવાલાયક પાણી બનાવવા કુલ 2,700 લાખ લિટર પ્રતિદિનની સ્થાપિત ક્ષમતાવાળા પ્રોજેક્ટસ PPP ધોરણે શરૂ કરવા આયોજન થયેલું. પરંતુ આ યોજનામાં આજે સાડા ત્રણ વર્ષ બાદ પણ વિલંબ થઈ રહ્યો છે. જો આજે આ તમામ પ્રોજેક્ટસનું કામ શરૂ કરવામાં આવે તો પણ, હજુ બીજા બે વર્ષ સુધી આ ચાર પ્રોજેક્ટસ શરૂ થઈ શકે એમ નથી.
આ તમામ પ્રોજેક્ટસ માટે ફેબ્રુઆરી-2020માં સરકારે ખાનગી કંપનીને વર્કઓર્ડર આપેલાં. જેમાં એવી શરત પણ હતી કે, કોન્ટ્રાક્ટર કંપની 3 વર્ષમાં બધી જ જરૂરી મંજૂરીઓ મેળવી લેશે અને કામ શરૂ કરી દેશે. પરંતુ સાડા ત્રણ વર્ષ વીતી ગયા છે, શરતનું પાલન થયું નથી. એવું બહાર આવ્યું છે કે, પર્યાવરણીય અસરોનો અભ્યાસ રિપોર્ટ તૈયાર કરીને CRZ કલીયરન્સ તથા પર્યાવરણીય મંજૂરીઓ મેળવવામાં આ કંપનીને વિલંબનો સામનો કરવો પડ્યો છે.
દરમિયાન એવું પણ જાણવા મળે છે કે, કંપનીએ કેપ્ટિવ પાવર પ્લાન્ટ પોલિસીમાં થયેલા ફેરફારનું બહાનું આગળ ધરી વિલંબને વાજબી લેખાવ્યો છે. હકીકત એ છે કે, ફાઈનલ ક્લોઝર હજુ હમણાં પૂરું થયું. અને કંપનીને આ પ્રોજેક્ટસ માટે નાણાંની વ્યવસ્થા કરવામાં પણ આંખે પાણી આવી ગયા છે. પાવર ફાઇનાન્સ કોર્પોરેશને આ કંપનીને લોન આપી છે, જેનો પ્રથમ હપ્તો કંપનીને હમણાં પ્રાપ્ત થયો.
ગીરસોમનાથના સૂત્રાપાડામાં 30 MLD નો તથા દ્વારકા અને ઘોઘામાં 70-70 MLDના પ્લાન્ટ બનશે. સૌથી મોટો 100 MLD નો પ્લાન્ટ માંડવી ખાતે નિર્માણ પામશે. આમ કુલ 270 MLD ના પ્લાન્ટ બનશે. જેનો અંદાજિત ખર્ચ કુલ રૂપિયા 2,160 કરોડ થશે, જે પૈકી 50 ટકા રકમ અને પ્લાન્ટ માટેની જમીનો સરકાર આપે એવું નક્કી થયું છે. જો કે સરકાર તરફથી હજુ સુધીમાં કોન્ટ્રાક્ટર કંપનીને એક પણ રુપિયો ચૂકવવામાં આવ્યો નથી.