Mysamachar.in:જામનગર
જામનગર સહિત રાજ્યભરમાં પ્રાથમિક શિક્ષકો અને વિવિધ વિભાગોનાં લાખો સરકારી કર્મચારીઓ આગામી દિવસોમાં સરકારને ‘જગાડવા’ આશ્ચર્યજનક કાર્યક્રમો આપશે. કેમ કે, સરકારે ભૂતકાળમાં શિક્ષકો સહિતનાં લાખો કર્મચારીઓને આપેલી ખાતરીઓનું આજની તારીખે સરકાર દ્વારા પાલન કરવામાં આવી રહ્યું નથી. તેથી આ તમામ લાખો કર્મચારીઓ નારાજ છે.
ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી સતીષભાઈ પટેલે સંઘનાં તમામ હોદેદારોને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે, ગત્ 16-09-2022નાં દિને સરકારનાં પાંચ મંત્રીઓ સાથે સંઘ, સંયુકત કર્મચારી મોરચો તથા કર્મચારી મહામંડળના હોદેદારોએ યોજેલી બેઠકમાં સૌની પડતર માંગણીઓ અંગે સરકાર સાથે સમાધાન થયું હતું. પરંતુ પ્રાથમિક શિક્ષકો તથા તમામ કર્મચારીઓનાં બે મહત્વનાં પ્રશ્નો – 2005 પહેલાં ભરતી થયેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા તથા 2005 પછીનાં કર્મચારીઓના પીએફમાં સરકાર દ્વારા 10 ટકાને બદલે 14 ટકા ફાળો ઉમેરવા બાબત – સમાધાન પછી પણ ‘પડતર’ છે.
આ બંને પ્રશ્નો પ્રાથમિક શિક્ષકો ઉપરાંત તમામ કર્મચારીઓને પણ લાગુ પડે છે તેથી ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા (પ્રમુખ: દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી કિરીટસિંહ ચાવડા) દ્વારા પણ શિક્ષક સંઘની સાથે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે. સંયુક્ત કર્મચારી મોરચાનો અન્ય એક પ્રશ્ન પણ પડતર છે, જેનો આ કાર્યક્રમમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. આ મોરચાનો ત્રીજો મુદ્દો એ છે કે, 45 વર્ષની મર્યાદા બાદ કર્મચારીને પરીક્ષામાંથી મુક્તિ આપવી અને લાભ આપવા – આ બાબતે જે પરીક્ષા ન લેવાઈ હોય તેવા કિસ્સામાં ઉ.પ.ધો. નો લાભ કેસ ટુ કેસ નિર્ણય કરવામાં આવશે તેમ સમાધાનમાં નક્કી થયેલ એમ આ મોરચો જણાવે છે.
આ તમામ પ્રશ્નોનાં ઉકેલ માટે આ બંને સંગઠનો આગામી 19 ઓગસ્ટે રાજ્યભરમાં તમામ તાલુકામથકોએ તથા તમામ જિલ્લામથકોએ સાંસદો, ધારાસભ્યો તથા કલેકટરોને આવેદન આપશે. ત્યારબાદ, 16મી સપ્ટેમ્બરે આ તમામ લાખો કર્મચારીઓ રાજ્યભરમાં તમામ તાલુકામથકોએ તથા જિલ્લામથકોએ સાંજે 6 થી 7 વાગ્યા દરમિયાન એકઠાં થશે અને આશ્ચર્યજનક કાર્યક્રમ મીણબત્તી-દીપ જલાવી, થાળી વગાડી સરકારને કર્મચારીઓનાં પ્રશ્નો યાદ કરાવશે. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સરકારને ‘જગાડવા’ પ્રયાસો થશે.