Mysamachar.in-અમદાવાદ:
આપણા ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક સમયથી મહિલા સહિતની ટોળકીઓ યુવકોને શરીરસુખની લાલચ આપી અને બાદમાં હનીટ્રેપનો શિકાર બનાવી તેની પાસેથી આવી ટોળકીઓ પૈસા ખંખેરતી હોવાના કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે હવે તો સજાતીય સબંધો ધરાવનાર પણ આવી હનીટ્રેપનો શિકાર બની રહયાનો એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે, જેમાં એપ્લિકેશન થકી હનીટ્રેપનો શિકાર કરતી ટોળકી ઝડપાઈ છે. સમલૈંગિક સંબંધ માટે વપરાતી એપ્લિકેશન દ્વારા પ્રોફેસરને હનીટ્રેપમાં ફસાવી આ ટોળકીએ પાંચ લાખ રૂપિયા પડાવી લીધાના આ કિસ્સાએ ચકચાર મચાવી દીધી છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસે બે આરોપીઓ દીપેન પટેલ અને હર્ષિલ પટેલને ઝડપી પાડયા છે, આ બંને શખ્સો સમલૈંગિક સંબંધો માટે વપરાતી GRINDR એપ્લિકેશન પર ખોટા નામે એકાઉન્ટ બનાવી લોકોને છેતરતા હતા. તાજેતરમાં જ એક નિવૃત્ત પ્રોફેસરને સમલૈંગિક સંબંધો માટે અમદાવાદના નિર્ણયનગર પાસે આવેલા ગ્રીન સીટી ફ્લેટમાં બોલાવી તેમની પાસેથી રૂપિયા 5 લાખ પડાવી લેવામા આવ્યા હતા. જે અંગે પોલીસે તપાસ કરતા પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે.સાથે જ મારામારી કરનાર અન્ય 4 આરોપી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
GRINDR એપ્લિકેશન એક એવી એપ્લિકેશન છે કે જ્યાં સજાતીય સંબંધો ધરાવતા લોકો વાતો કરે છે અને એક બીજા સાથે મુલાકાત કરે છે. પરંતુ આરોપી દીપેન ખોટા નામે એકાઉન્ટ બનાવી લોકોને છેતરતો હતો. ઝડપાયેલા બે આરોપી હર્ષિલ અને દીપેન માત્ર યુવકોને ફસાવી મળવા બોલાવતા અને ત્યારબાદ આ ગુનાના ફરાર ચાર આરોપીઓ બળજબરીપૂર્વક રૂપિયા પડાવી લેતા હતા. પરંતુ સજાતીય સંબંધોના કારણે બદનામીના ડરે પોલીસ સુધી ફરિયાદ પહોંચતી નથી. જોકે ગ્રામ્ય સાયબર સેલને ફરિયાદ મળતા પોલીસે આ ગુનાના બે માસ્ટર માઇન્ડની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે બંને આરોપી ધોરણ 10 પાસ છે. અને છેલ્લા કેટલાક સમયથી બેરોજગાર પણ છે. જેથી કરી લોકો પાસેથી રૂપિયા પડાવવાનો આ સરળ માર્ગ આરોપીએ શોધી કાઢ્યો. હવે ક્યારથી આ બન્ને અને તેની સાથેના અન્ય શખ્સો આવા કાંડ કરતા હતા તે તપાસ હાથ ધરી છે.