Mysamachar.in-
ઔદ્યોગિક રાજ્ય તરીકે નામના ધરાવતાં ગુજરાતમાં ઔદ્યોગિક પ્રદૂષણ મામલે સરકાર તથા તંત્રો બહુ ગંભીર નથી હોતાં એવું અનેક કિસ્સાઓમાં જોવા મળતું હોય છે. નદી સહિતના જળસ્ત્રોતોમાં પણ હજારો ઉદ્યોગો પ્રદૂષણ ઠાલવતા હોય છે પરંતુ ઉદ્યોગો પ્રત્યે સામાન્ય રીતે ‘ઉદારતા’ જોવા મળતી હોય છે. તે દરમિયાન જામનગર સહિત રાજકોટ અને અમદાવાદમાં પણ પ્રદૂષણ નિયંત્રણ અંગે તંત્ર દ્વારા થોડો સળવળાટ જોવા મળી રહ્યો છે.
રાજકોટ અને અમદાવાદમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કુલ 85 ઔદ્યોગિક એકમોને ‘તાળાં લગાવવા’ ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. જામનગરની વાત કરીએ તો, Mysamachar.in સાથેની વાતચીતમાં પ્રાદેશિક પ્રદૂષણ નિયંત્રણ અધિકારી જી.બી.ભટ્ટે જણાવ્યું છે કે, જામનગરના કુલ 25 ઔદ્યોગિક એકમો સામે ક્લોઝર અંગેની કામગીરીઓ વિવિધ તબક્કામાં છે.
તેમણે વધુમાં કહ્યું કે, જામનગર શહેરના શંકરટેકરી ઉદ્યોગનગર તથા દરેડ ઉદ્યોગનગરોના કુલ 11 ઔદ્યોગિક એકમોને ક્લોઝર નોટિસ આપી, આ પ્રકારના ઉદ્યોગોના વીજજોડાણો કાપી નાંખવા સંબંધે વીજતંત્ર સાથે સંકલન ચલાવવામાં આવે છે. આ ઉપરાંત ઉપરોકત તમામ ઉદ્યોગનગરોના 14 અન્ય ઔદ્યોગિક એકમો એવા છે તેમની વિરુદ્ધ હાલ કાર્યવાહીઓ પ્રાથમિક તબક્કામાં છે, આ એકમોને નોટિસો આપી જવાબો મેળવવાની પ્રોસેસ ચાલી રહી છે.

અત્રે નોંધનીય બાબત એ છે કે, જામનગર તથા આસપાસના હજારો ઉદ્યોગો રાતદિન ધમધમે છે. સેંકડો ઉદ્યોગોની ઓછી વધુ ઉંચાઈ ધરાવતી ચીમનીઓ હવામાં ઝેરી વાયુ સતત ઓકી રહી છે. આ ઉપરાંત નિકલ સહિતના ઈલેક્ટ્રોપ્લેટીંગનું કામ કરતાં સેંકડો ઔદ્યોગિક એકમો ગટરોમાં અને નદીમાં રાતદિવસ ઝેરી અને જોખમી વેસ્ટ વોટર ઠાલવી રહ્યા છે. જામનગરની નદી ગંધાતી અને મોટી ગટર બની ચૂકી છે. પરંતુ કોઈ જ સ્તરે આ નદીને સ્વચ્છ રાખવા બાબતે કોઈ જ ગંભીરતા જોવા મળતી નથી. આખરે આ પાણી પ્રદૂષણ ભૂગર્ભ જળ વાટે નગરજનોના શરીરમાં પહોંચે છે અને વિવિધ પ્રકારની બિમારીઓ માટે કારણરૂપ બની રહ્યું છે.