Mysamachar.in-જામનગર
જામનગર હોય કે દેવભૂમિ દ્વારકા જિલ્લો, ખાસ કરીને કેટલાંક યુવાઓ અને કિશોરો ઘણાં સમયથી વાહનોની રેસ અને વાહનોના સ્ટંટના રવાડે ચડેલા હોવાનું અવારનવાર બહાર આવતું રહે છે. સાથેસાથે આવા શખ્સો વિરુદ્ધ કાર્યવાહીઓ પણ થતી રહે છે. ઘણી વખત આવા મામલાઓ અકસ્માતોને કારણે મોત કે ગંભીર ઈજાઓ સુધી પણ પહોંચતા હોય છે, આમ છતાં આવા શખ્સો સુધરવાનું નામ લેતાં નથી !
આ પ્રકારના શખ્સો વિરુદ્ધ સમગ્ર હાલારમાં કાર્યવાહીઓ થઈ રહી છે. ઘણાં બધાં રેસશોખિનો રીક્ષાઓ અને ટુ વ્હીલર વાહનોની રેસ લગાવતા હોય છે અને આવી રેસના વીડિયોઝ પણ વાયરલ કરતાં હોય છે. આ ક્રેઝ ક્યારેક જિવલેણ પણ સાબિત થઈ શકે. આ પ્રકારના એક મામલામાં બે દિવસ અગાઉ એક ઇસમનો જામનગર-રાજકોટ રોડ પર શેખપાટ નજીક ગંભીર અકસ્માત થયાની ઘટના તાજી છે. આ સગીર હાલમાં ઈજાઓની સારવાર લઈ રહ્યો છે.

આ ઉપરાંત જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસે જાહેર કર્યું છે કે, જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા અને જામનગર વચ્ચે રીક્ષાઓની રેસ થતી હતી. આ રેસમાં જૂગાર પણ રમાતો હોય છે. આ પ્રકારના 3 શખ્સોને ખીજડીયા નજીકથી ઝડપી લેવામાં આવ્યા છે. બે રીક્ષાઓ પણ કબજે લેવામાં આવી છે. આ શખ્સો પાસેથી રૂ. 15,250ની રોકડ અને રીક્ષાઓ મળી કુલ રૂ. 1,95,250નો મુદ્દામાલ કબજે લેવાયો છે.
પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એન.શેખના માર્ગદર્શન મુજબ થયેલી આ કામગીરીઓમાં ઝડપાયેલા શખ્સોના નામ અમિત કિશોર સોલંકી, કરણ મનોજ મકવાણા અને રાહુલ વિજય રાઠોડ જાહેર થયા છે. આ ત્રણેય શખ્સો જામનગર શહેરના જુદાજુદા વિસ્તારોમાં રહે છે.

આ ઉપરાંત દ્વારકા જિલ્લાની પોલીસે પણ આવા શખ્સો વિરુદ્ધ કાર્યવાહીઓ કરી છે. આ જિલ્લામાં કેટલાંક શખ્સો બેફામ રીતે ટુ વ્હીલર ચલાવી લોકોમાં ભય પેદા કરે છે એવો વીડિયો સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર વાયરલ થયો હતો. જે અનુસંધાને ટ્રાફિક પીએસઆઈ વી.એમ.સોલંકીની ટીમે વીડિયોની ખરાઈ કરી, મીઠાપુર આરંભડા પોલીસના સહયોગથી ચાર શખ્સોને પકડી પાડ્યા છે. ટ્રાફિક નિયમોનાં ભંગ તથા રેસિંગ સંબંધે આ પ્રકારની પોલીસ કામગીરીઓ ચાલુ જ રહે છે.
