Mysamachar.in-ગાંધીનગર:
રાજ્ય સરકારમાં હજારો અધિકારીઓ અને કર્મચારીઓ એવા હોય છે, જેમની નિયમિત નોકરી શરૂ થાય એ પહેલાં જુદી-જુદી કેડરમાં તેમણે અજમાયશી એટલે કે પ્રોબેશનલ અધિકારી-કર્મચારી તરીકે ફરજો બજાવવાની હોય છે, બાદમાં તેઓને રેગ્યુલર અધિકારી-કર્મચારી તરીકે પોસ્ટીંગ આપવામાં આવતું હોય છે, આ વિષયમાં સરકારે એવો નિર્ણય કર્યો છે કે, કોઈ પણ અધિકારી કે કર્મચારી આ અજમાયશી સમયગાળા દરમ્યાન જો ફરજો બજાવવામાં ગંભીર ચૂક કરશે અથવા ગેરરીતિઓ કે અપ્રમાણિકતાથી વર્તશે તો, સક્ષમ અધિકારીના રિપોર્ટના આધારે આ પ્રોબેશનલ અધિકારી-કર્મચારીને નોકરીમાંથી ફરજિયાત નિવૃત કરી ઘરે બેસાડી શકાશે.
સરકારના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર ક્રમાંક 3607માં જણાવાયા અનુસાર, પ્રોબેશનલ અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી તત્પરતા, જવાબદારીઓ, પ્રમાણિકતા, નિર્ણયશક્તિ, આજ્ઞાંકિતતા અને નિષ્ઠા જેવા ગુણો અપેક્ષિત હોવા ઉપરાંત, જો કામગીરીઓમાં ગંભીર ક્ષતિઓ, ગેરરીતિઓ, અપ્રમાણિકતા, નિષ્ઠાનો અભાવ, કામગીરીઓમાં ઉદાસીનતા કે જાહેર જીવનમાં અથવા કામકાજના સ્થળે ગેરવર્તણૂંક માલૂમ પડશે તો તેમનો આ અજમાયશી સમયગાળો સંતોષકારક લેખાશે નહીં.
આ પ્રકારના મામલાઓમાં સક્ષમ કક્ષાએથી યોગ્ય વિચારણાને અંતે, જો પ્રથમ દર્શનીય રીતે આ પ્રોબેશનલ સમયગાળો સંતોષકારક જણાય નહીં તો, તે અધિકારી કે કર્મચારીની અજમાયશી સેવાઓનો તાત્કાલિક અસરથી અંત લાવી શકાશે. અને, અજમાયશી અધિકારીઓ કે કર્મચારીઓનો અજમાયશી સમયગાળો પૂર્ણ થયે લાંબાગાળાના જે હુકમો કરવાના થાય, એ પહેલાં આ સૂચનાઓ ધ્યાન પર લેવાની રહેશે.