Mysamachar.in-જામનગર
જીલ્લા શિક્ષણાધિકારી તો એવા હોવા જોઈએ જે જીલ્લાના શિક્ષણનું તંત્ર બખૂબી ચલાવી શકે, ખાનગી અને સરકારી શાળાઓ પર તેની મજબુત પકડ હોય…પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે જામનગર જીલ્લા શિક્ષણાધિકારીને ખુદ ખાનગી શાળા સંચાલકો પણ ગાંઠતા નથી કારણ કે જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા બે વખત કરવામાં આવેલ તાકીદ છતાં કેટલી ફી વસુલ કરવામાં આવી તેની માહિતી હજુ સુધી 200 જેટલી શાળાઓ આપતી જ નથી, જેનાથી જામનગર શહેર જીલ્લામાં શિક્ષણ કચેરીની અને જીલ્લા શિક્ષણાધીકારીની ધાક કેટલી તે બાબત સ્પષ્ટ કરે છે, જો શિક્ષણાધિકારીનું જ ખાનગી શાળાઓમાં ના ઉપજતું હોય તો વાલીઓનું તો બિચારાનું શું આવે..?
કોરોનાના કારણે શાળાઓ ખુલી નથી માટે ઓનલાઇન શિક્ષણ જેમ તેમ શરૂ થયા તેની કેટલી ફી લેવામા આવી? તેવી માહિતી માંગતી તીતુડી જામનગર જિલ્લા શિક્ષણ કચેરીએ માંગી પરંતુ દરેક શાળાએ માહિતિ આપી નહી…..!!! સાથે સાથે શૈક્ષણિક ફી ઉપરાંત અન્ય કોઇપણ પ્રકારની ફી ચાલુ વર્ષે ઉઘરાવી છે કે કેમ ? તેનો પણ જવાબ માગ્યો હતો અને જામનગર જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર કરીને 5 દિવસમાં વિગતો આપવા સૂચના આપી હતી તે બે વખતની સુચનાના સુરસુરીયા થઇ ગયા એટલા માટે હજુ કે 200 જેટલી શાળાઓએ આવી માહિતી આપી જ નથી છતાં શિક્ષણાધિકારી પગલા લેવાને બદલે ચુપ બેઠા છે.
કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહી તે માટે શાળાઓ દ્વારા શરૂ કરાયેલા ઓનલાઇન શિક્ષણ અંતર્ગત જામનગર ડીઇઓએ એક પરિપત્ર કરીને ખાનગી શાળાઓ પાસેથી ફી સંબંધિત કેટલીક વિગતોની સ્પષ્ટતા માંગી હતી કે ચાલુ વર્ષની ફીનો પ્રથમ હપ્તો લીધો છે કે નહિં અને ઓનલાઇન શિક્ષણની કેટલી ફી નકકી કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં કેટલી ફી વાલીઓ પાસેથી ઉઘરાવવામાં આવી છે તે સહિતની બાબતો પાંચ દિવસમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને જણાવવા માટે સૂચના આપવામાં આવી હતી પરંતુ ખાનગી શાળાઓ એ પુરતી વિગતો સમયસર આપી ન હતી.
જામનગર જિલ્લા શિક્ષણાધિકારીએ જામનગર શહેર અને જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ખાનગી શાળાઓને સંબોધીને બે વખત જારી કરેલા પરિપત્રમાં ફી સંબંધિત પાંચ બાબતોની સ્પષ્ટતા માંગી છે. શાળાએ 2020-21ના વર્ષની ફીનો પહેલો હપ્તો લીધો છે કે કેમ, શૈક્ષણિક ફી સિવાય અન્ય કોઇપણ પ્રકારની ફી ચાલુ વર્ષ માટે ઉઘરાવી છેકે કેમ, શાળા ઓનલાઇન શિક્ષણ આપે છેકે નહી અને જો આપતી હોય તો ગુજરાત બોર્ડ કે અન્ય કયા બોર્ડના અભ્યાસ ક્રમ મુજબ શિક્ષણ આપે છે,
ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતા વિભાગ, વર્ગો તથા વિદ્યાર્થીઓની સંખ્યા તેમજ આ શિક્ષણ કયારથી શરૂ કરવામાં આવ્યું છે તેની વિગત અને ઓનલાઇન શિક્ષણ માટે શાળાએ નક્કી કરેલી ફી તેમજ અત્યાર સુધીમાં વસુલવામાં આવી હોય તે ફીની વિગતો જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ખાનગી શાળા સંચાલકોની પાસેથી માંગવામાં આવી હતી પણ હજુ સુધી વિગતો પહોચતી ના કરવામાં આવતા જીલ્લા શિક્ષણાધિકારી કચેરીનો લૂલો વહીવટ ખુલ્લો પડ્યો છે.