Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યનો શિક્ષણવિભાગ વધુ એક વખત વિવાદમાં સપડાશે એવું દેખાઈ રહ્યું છે. કારણ કે આ વિભાગ પોતાના શિક્ષકોની ભરતીઓ કરવાની જવાબદારીઓ ખાનગી પાર્ટી હસ્તક ગોઠવી રહ્યો છે. આ પાર્ટી ભરતીઓમાં અનિયમિતતાઓ કે ગેરરીતિઓ આચરશે તો ? એવો પ્રશ્ન અત્યારથી મેદાનમાં આવ્યો. અને, શિક્ષણવિભાગને આ ભરતીઓ વિભાગીય પદ્ધતિએ કરવાનું શા માટે ન સૂઝયું એ પ્રશ્ન પણ જાણકારોમાં પૂછાઈ રહ્યો છે.
આ સમગ્ર વિષયની વિગતો બહાર આવી છે. ગુજરાત રાજ્યની તમામ જિલ્લા પંચાયતો હસ્તકની તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘શાળા સહાયક’ ભરતીઓ હવે ખાનગી પાર્ટી કરશે. આ માટે આઉટસોર્સિંગ એજન્સી નક્કી થશે. જે સરકારને ‘શિક્ષકો’ શોધી આપશે.

શિક્ષણવિભાગે આ માટે 21મી ફેબ્રુઆરીએ એક ઠરાવ જાહેર કર્યો. જેમાં જણાવાયું છે કે, પુખ્ત વિચારણાને અંતે રાજ્યની પે સેન્ટર સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં મદદ મળે અને વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કોમ્પ્યુટરના જાણકાર માનવબળ ઉપલબ્ધ કરાવવાના હેતુ સાથે કેટલીક શરતોને આધીન ‘શાળા સહાયક’ આઉટસોર્સિંગથી ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં 300 કે તેથી વધુ વિદ્યાર્થીઓ જે શાળાઓમાં હોય ત્યાં અને જે શાળાઓ પે સેન્ટર તરીકે કાર્યરત હોય, તેવી સરકારી પ્રાથમિક શાળાઓમાં આ ભરતીઓ કરવામાં આવશે. શાળાઓમાં રહેલી ડિજિટલ સુવિધાઓનો યોગ્ય ઉપયોગ થાય તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે તેમ શિક્ષણવિભાગે જણાવ્યું છે. આ શાળા સહાયકોને માસિક રૂ. 21,000 મહેનતાણું આપવામાં આવશે. આ કર્મચારીઓ અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ પર કામ કરશે, બાદમાં છૂટા કરવામાં આવેલા ગણાશે.(ફાઈલ ઈમેજ)
