Mysamachar.in-અમદાવાદ:
લોકસભા ચૂંટણીઓ આવી રહી હોય એક તરફ આયુષ્યમાન કાર્ડ પરની મફત સારવારની યોજના ધૂમ પ્રચારમાં છે, બીજી તરફ આ કાર્ડ અંતર્ગત દર્દીઓને સારવાર આપતી સંખ્યાબંધ ખાનગી હોસ્પિટલોએ સરકાર સામે મોરચો માંડ્યો છે, દર્દીઓ હેરાન થશે ?! અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, આયુષ્યમાન કાર્ડ અંતર્ગત દર્દીઓને સારવાર આપતી સંખ્યાબંધ ખાનગી હોસ્પિટલોએ આ સારવારના બદલામાં સરકાર પાસેથી મેળવવાના થતાં કરોડો રૂપિયા સરકારમાં રોકાયેલા છે. આ મામલે સરકાર અને ખાનગી હોસ્પિટલો વચ્ચે ઘણાં સમયથી બબાલ ચાલે છે. ખાનગી હોસ્પિટલોએ દર્દીઓને આ પ્રકારની ઘણી સારવારો આપેલી છે, જેના બિલ પણ સરકારમાં મોકલાયેલા છે પણ સરકાર આ નાણાંની ફાળવણી કરતી નથી તેથી લખલૂટ ખર્ચથી ચાલતી ખાનગી હોસ્પિટલોના બજેટ ખોરવાઈ ગયા છે.
ખાનગી હોસ્પિટલોએ આ બાકી લેણાં મેળવવા ઘણાં પ્રયાસ કર્યા છે પરંતુ તેઓને હજુ નાણાં પ્રાપ્ત થયા નથી તેથી હવે આ હોસ્પિટલો સરકારનું નાક દબાવશે, આયુષ્યમાન કાર્ડ પર લોકોને મફત સારવાર આપવાનું બંધ કરી દેશે, તેથી દર્દીઓ રઝળશે અને ઉહાપોહ મચશે, ચૂંટણીઓ ટાણે આ ઉહાપોહ મચતાં સરકાર નાણાં આપવા તૈયાર થઈ જશે, એવી વ્યૂહરચના વિચારીને આ તમામ ખાનગી હોસ્પિટલો સંભવત: આવતીકાલે શુક્રવારથી અથવા મોડામાં મોડું 12 ફેબ્રુઆરીથી આયુષ્યમાન કાર્ડ પર સારવાર આપવાનું બંધ કરી દેશે એમ કહેવાય છે. જો કે સૂત્ર એમ પણ જણાવે છે કે, તબીબોમાં પણ તડાં છે, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન એટલે કે IMAના સભ્યો છે એવા ખાનગી તબીબો આ સૂચિત હડતાલથી દૂર રહેશે, તેઓ સરકારને નારાજ કરવાથી બચવા ઈચ્છે છે તેમ પણ કહેવાય છે. હજારો દર્દીઓ અને તેઓના લાખો પરિવારજનોને સંભવિત હાલાકીમાંથી બચાવવા આ મુદ્દે એકાદ દિવસમાં જો કોઈ વચલો માર્ગ નહીં નીકળે તો, આગામી સમયમાં આ બાબત વધુ ચર્ચાસ્પદ બની શકે છે.