Mysamachar.in-દાહોદ:
ગુજરાતના શિક્ષણજગતમાં કલંકિત ઘટનાઓ અવારનવાર બની રહી હોય, રાજ્યમાં વિવિધ શિક્ષણધામો કલંકિત થઈ રહ્યા છે, જેમાં વધુ એક નઠારા ગુરૂના કરતૂતનો પર્દાફાશ થયો છે અને આ વિકૃત આચાર્યની ધરપકડ પણ થઈ ગઈ છે. 6 વર્ષની માસૂમનો આ લંપટે ભોગ લીધો હોવાનું બહાર આવતાં, માત્ર દાહોદ જ નહીં, સમગ્ર રાજ્યમાં આ આચાર્ય પર ફીટકાર વરસી રહ્યો છે.
કંપાવી દે તેવી આ ઘટનાની જાહેર થયેલી વિગતો એવી છે કે, તાજેતરમાં દાહોદની એક શાળાના પાછળના મેદાનમાંથી માત્ર 6 વર્ષની એક બાળાનો મૃતદેહ મળી આવ્યો. કાલે રવિવારે, મૃતદેહ મળી આવ્યાના 3 દિવસ બાદ, આ બાળકીની હત્યાના આરોપસર આ જ શાળાના આચાર્યની ધરપકડ કરવામાં આવી. એવું કહેવાય છે કે, બાળકીના ગામથી શાળા તરફ આવી રહેલી આચાર્યની કારમાં, આચાર્ય દ્વારા બાળકી સાથે છેડછાડનો પ્રયાસ થયેલો. બાળકીએ વિરોધ કરેલો. અને પછી આ બાળકીનો મૃતદેહ મળી આવ્યો.
આ આચાર્યએ પોલીસ સમક્ષ કબૂલાત આપી છે કે, આ બાળકીના મૃતદેહને શાળાની પાછળના મેદાનમાં ફેંકી દેવામાં આવ્યો એ અગાઉ, બાળકીનો મૃતદેહ આખો દિવસ આચાર્યની કારમાં હતો. દાહોદ એસ.પી. કહે છે: મૃત બાળકીના કલાસમાં ભણતાં બાળકો, શિક્ષકો અને બાળકીના ગામમાં રહેતાં ગ્રામજનોની લંબાણભરી પૂછપરછ બાદ સમગ્ર પ્રકરણની વિગતો બહાર આવી.
એસ.પી.ના કહેવા અનુસાર, બનાવના દિવસે સવારે 10:20 વાગ્યે બાળકી આચાર્યની કારમાં છેલ્લે જોવા મળેલી અને એ દિવસે બાળકી શાળામાં આખો દિવસ ગેરહાજર હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. એ ગુરૂવારનો દિવસ હતો. શરૂઆતની તપાસ અને પૂછપરછમાં આચાર્યએ પોલીસને એમ કહેલું કે, મેં બાળકીને શાળાએ ડ્રોપ કરેલી, પછીની મને ખબર નથી. પરંતુ લાંબી પૂછપરછ બાદ આચાર્યએ આખરે આખો મામલો કબૂલી લીધો.
પોલીસે એમ પણ જાહેર કર્યું છે કે, શરૂઆતમાં આચાર્યએ તપાસનીશ અધિકારીને ગેરમાર્ગે દોરવાનો પણ પ્રયાસ કરેલો. આચાર્યએ પોલીસને એમ કહેલું કે, મને તે દિવસે શાળામાંથી એક શિક્ષકનો સાંજે ફોન આવેલો કે, શાળામાં એક બાળકી ગૂમ થઈ છે. પરંતુ ત્યારબાદ પોલીસે આચાર્યના મોબાઈલની ટેક્નિકલ તપાસ કરી, આચાર્યની ફોન આવ્યાની વાત ખોટી સાબિત થઈ.
એસપી એ વધુમાં કહ્યું: આચાર્યએ કબૂલી લીધું છે કે, તેની કાર જ્યારે શાળા તરફ આવી રહી હતી ત્યારે તેણે એટલે કે, આચાર્યએ આ બાળકીની જાતીય સતામણીનો પ્રયાસ કરતાં બાળાએ ચીસો પાડી હતી. આથી આચાર્યએ એ બાળકીનું ગળું દબાવી દીધું અને બાળકી કાયમ માટે, તરફડીને શાંત થઈ ગઈ. ત્યારબાદ આખો દિવસ આચાર્ય રૂટિન મુજબ શાળામાં રહ્યો અને બાળકીનો નિશ્ચેતન દેહ કારમાં પડ્યો રહ્યો. શાળાનો સમય પૂરો થયા બાદ આચાર્યએ બાળાનો મૃતદેહ શાળાની પાછળના મેદાનમાં ફેંકી દીધો, બાળાના ચપ્પલ કલાસ પાસે ગોઠવી દીધાં અને બાળાનું દફતર કલાસમાં ગોઠવી દીધું.
આચાર્યના મોબાઈલની ટેક્નિકલ એનાલિસિસ પરથી જાણવા મળેલ છે કે, બનાવના દિવસે આચાર્ય શાળાએ દરરોજ કરતાં મોડા પહોંચ્યા હતાં. ગુરૂવારે આખો દિવસ બાળા શાળામાં ન હતી, શાળાનો સમય પૂર્ણ થયો ત્યાં સુધી બાળાનો મૃતદેહ શાળાની પાછળના મેદાનમાં ન હતો. અને, દિવસ દરમિયાન બાળાનું દફતર કે ચપ્પલ કલાસમાં કે શાળામાં કયાંય ન હતાં. એક બાળકે પોલીસને એમ પણ કહ્યું કે, બનાવના દિવસે બાળાને આચાર્યની કારમાં સૂતેલી સ્થિતિમાં જોઈ હતી. આચાર્યનું નામ ગોવિંદ નટ છે અને તેની રવિવારે વિધિવત ધરપકડ થઈ છે.