Mysamachar.in- જામનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25મીએ યાત્રાધામ બેટદ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજ(હવે સુદર્શન સેતુ)નું લોકાર્પણ કરશે, એ પહેલાં તેઓ જામનગર એરફોર્સ પર લેન્ડ થશે અને રાત્રિરોકાણ જામનગર સર્કીટ હાઉસ ખાતે કરશે. એ દરમિયાન જામનગરમાં વડાપ્રધાનનો રોડ-શો 24મીએ રાત્રે યોજાશે.
જિલ્લા વહીવટીતંત્રએ જાહેર કરેલી વિગતો અનુસાર, વડાપ્રધાન મોદી આવતીકાલે 24મીએ રાત્રે લગભગ 08-30 કલાક આસપાસ જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે આવી પહોંચશે. બાદમાં એરપોર્ટથી રાત્રિરોકાણ સ્થળ સર્કીટહાઉસ ખાતે પહોંચવા દરમિયાન, વડાપ્રધાનનો રોડ-શો દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલા સુધીના રોડ પર આયોજિત કરવામાં આવ્યો છે. રાત્રિના અંદાજે 09 થી 10 વાગ્યા દરમિયાન આ રોડ-શો થશે. વડાપ્રધાન જેવી વ્યક્તિ શહેરમાં રાત્રી રોકાણ કરવાના હોય ત્યારે સુરક્ષાથી માંડીને કોઈ જ કચાશ ના રહે તે માટે જામનગર જીલ્લા કલેકટર બી.કે.પંડ્યા છેલ્લા કેટલાય દિવસોથી આ બાબતે જરૂરી સૂચનાઓ, સમીક્ષા બેઠકો અને સંકલન અલગ અલગ વિભાગો સાથે સુચારુ રૂપે કરી રહ્યા છે.

આ રોડ-શો કાર્યક્રમ સફળ બનાવવા SPGની ટીમ, ગુજરાત પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર તથા જામનગર પોલીસ વચ્ચે સંકલન ગોઠવવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ માટેની સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ ઉપરાંત રોડ-શો દરમિયાન વધુમાં વધુ લોકો વડાપ્રધાનને નિહાળવા દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલા સુધી હાજર રહે તે માટેની સઘળી વ્યવસ્થાઓ શહેર અને જિલ્લા BJP દ્વારા ગોઠવવામાં આવી છે, જે માટે પક્ષની સંગઠન પાંખો દ્વારા સંકલન કરવામાં આવ્યું છે અને કાર્યકર્તા ભાઈઓ-બહેનોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી છે. સમગ્ર રોડ-શો દરમિયાન વ્યવસ્થાઓ જળવાઈ રહે અને સૌ શાંતિથી આ કાર્યક્રમ માણી શકે તે માટે અધિકારીઓ અને શાસકપક્ષ વચ્ચે સંકલન સાધવામાં આવ્યું છે.

દરમિયાન, વડાપ્રધાનના આગમનના રૂટ પર દિગ્જામ સર્કલથી શરૂ કરીને લાલ બંગલા- સર્કીટહાઉસ સુધી સમગ્ર રૂટને રોશનીનો શણગાર સહિતનો ઓપ આપવામાં આવ્યો હોય, આવતીકાલે શનિવારે રાત્રે આ સમગ્ર રૂટ પર ઉત્સવ જેવું વાતાવરણ અનુભવાશે. વડાપ્રધાન આ રોડ-શો બાદ પાયલોટ બંગલાથી સર્કીટહાઉસ પહોંચશે, જયાં રાત્રિરોકાણ કરશે અને રવિવારે સવારે દ્વારકા તરફ જવા નીકળશે.
