Mysamachar.in:ગાંધીનગર
ગુજરાત સરકારનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ બહુ ભોળા છે. તેઓ એમ સમજે છે કે, લોકોને કશી જ ગતાગમ નથી, ચાલો લોકોને જ્ઞાન આપીએ. તેઓએ ટામેટાંના ભાવો મુદ્દે પત્રકારોને જ્ઞાન આપ્યું. ટામેટાંના ઉંચા ભાવો અંગે પત્રકારોએ લોકલાગણી સરકાર સુધી પહોંચાડવા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને પ્રશ્ન પૂછ્યો. મંત્રીએ જવાબ આપ્યો : ટામેટાં હોય કે કોઈ પણ ચીજ, બજારમાં જયારે માલ પુષ્કળ ઠલવાય ત્યારે આપોઆપ તે ચીજના ભાવ ઘટે. હાલમાં ટામેટાંની સપ્લાય ડિમાન્ડની સરખામણીએ ઓછી છે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને માલૂમ થાય કે, તમારો આ જવાબ નવીન નથી. આ હકીકત સૌને ખબર જ છે. અને બધી જ ચીજોના ભાવો જો ડિમાન્ડ અને સપ્લાયનાં આધારે જ નક્કી કરવાનાં હોય તો પછી, સરકારમાં ભાવ નિયંત્રણ અને સ્ટોક લિમિટ, સંગ્રહખોરી વિરૂદ્ધના કાયદાઓની જરૂર શું છે ?! ભૂતકાળમાં ડુંગળીનાં ભાવો ઉંચકાયા ત્યારે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન બોલ્યા હતાં : હું ડુંગળી ખાતી નથી. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનો પણ કહેવાનો અર્થ એ જ થાય છે કે, મોંઘા ટામેટાં પોસાય તે ખાય. સરકારને કશા લેવાદેવા નથી.
ટૂંકમાં, મોંઘવારી સરકાર માટે મુદ્દો નથી. લોકોને નિર્દય બજારને હવાલે છોડી દેવામાં આવ્યા છે. દુનિયાભરમાં ખાદ્યતેલનાં ભાવો ઘટી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખાદ્યતેલ ભડકે બળે છે, સટોડિયાઓનાં પાપે. અને સરકાર મૌન છે ! જો કે, સરકારને લોકોએ 156 ધારાસભ્ય આપ્યા છે તેથી સરકાર નિશ્ચિંત છે, એવી કોમેન્ટસ પણ સોશિયલ મીડિયામાં ધૂમ વાંચવા મળે છે !