Mysamachar.in-અમદાવાદ:
પોલીસ આરોપીઓ સાથે ‘સિંઘમ’ જેવો વ્યવહાર કરે ત્યારે, ફિલ્મોની જેમ હકીકતમાં પણ લોકો ખુશ થતાં હોય છે અને પોલીસ વાહવાહી પણ મેળવતી હોય છે (જો કે એમાં પણ અદાલત દ્વારા કેટલાંક નિયંત્રણ હોય છે) પરંતુ એ જ પોલીસ જો કોઈ નિર્દોષ વ્યક્તિને સતાવે તો, લોકોનો ગુસ્સો પોલીસ પ્રત્યે ફૂટી નીકળતો હોય છે. અને પોલીસની ભારે બદનામી પણ થતી હોય છે. અદાલતે આવા એક મામલામાં ખૂબ જ કડક વલણ અખત્યાર કરી એક પોલીસ ઈન્સ્પેક્ટરને રૂ. 3 લાખનો દંડ કર્યો છે.
મામલો સુરતના ડીંડોલીનો છે, અને ફરિયાદી વ્યવસાયે વકીલ છે. હીરેન નાઈ નામના આ વકીલ મિત્રો સાથે કારમાં બેઠાં હતાં. ત્યારે ડીંડોલી પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર એચ.જે.સોલંકી આ વિસ્તારમાં આવી ચડ્યા હતાં અને કાંઈ જ પૂછતાછ કર્યા વગર, આ વકીલને સીધા લાત મારવા લાગ્યા હતાં. આ ઘટનાનો વીડિયો જેતે સમયે વાયરલ થયો હતો. CCTV ફૂટેજ પણ આ ઘટનાની હકીકતો દર્શાવે છે. પોલીસ અધિકારી અપશબ્દ પણ બોલ્યા હતાં.
આ અંગે ફરિયાદ માટે વકીલે પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધેલો પરંતુ પોલીસે, પોલીસ અધિકારી વિરુદ્ધની આ ફરિયાદ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. જેથી આ મામલે ફરિયાદીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ કેસમાં વડી અદાલતે, કોઈ પણ ગુના વગર નિર્દોષ વ્યક્તિને લાત મારવાના મુદ્દે આરોપી પોલીસ અધિકારીને રૂ. 3 લાખનો દંડ ફટકારતાં ચકચાર મચી ગઈ છે.
વડી અદાલતે આ કેસમાં એવી પણ ટકોર કરી કે, ખોટી રીતે કોઈને લાત મારવી કેટલી મોંઘી પડી શકે છે, તે બાબત પોલીસ ઈન્સ્પેક્ટરને આજીવન યાદ રહેવી જોઈએ. ભવિષ્યમાં પણ તેને કોઈ પણ માણસ પર હાથ કે પગ ઉગામતાં લાતનો આ દંડ યાદ આવશે. પોલીસ ભલે માનસિક દબાણમાં કામ કરે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે સતાનો દુરુપયોગ થઈ શકે, એવી છૂટ નથી.
આ પોલીસ અધિકારીએ જાહેરમાં ન્યાયતંત્ર વિષે અશોભનીય શબ્દોનો પ્રયોગ કર્યો હતો, એવી અદાલતમાં રજૂઆત થતાં- અદાલતે કહ્યું કે, આવા પોલીસ અધિકારી વિરુદ્ધ સરકાર કેમ પગલાંઓ લેતી નથી. અદાલતે ચાલુ સુનાવણી દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારી આ પોલીસ ઈન્સ્પેક્ટર વિરુદ્ધ શું પગલાંઓ લેશે, તે બાબતે સૂચના મંગાવી હતી.
સુનાવણી દરમિયાન ફરિયાદી વકીલે બનાવની રાતના એ સ્થળના CCTV ફૂટેજ દેખાડયા હતાં, તે જોઈ અદાલતે ટકોર કરી હતી કે, તમે હીરો બનીને ફરો છો એટલે શું કોઈ વ્યક્તિ ને ગુના વગર મારવાના ? કાંઈ પણ પૂછ્યા વગર કોઈને લાત કેવી રીતે મારી શકાય ? જો પોલીસના આવા દમનને અત્યારે રોકવામાં નહીં આવે તો, કાલે પોલીસ કારણ વગર મને પણ લાત મારી શકે છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ પોલીસ ઈન્સ્પેક્ટરે ફરિયાદી વકીલને ખોટાંનાર્કોટિક્સ કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હોવાનો આરોપ પણ છે.