Mysamachar.in-જામનગર:
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં વોર્ડ નંબર 2 માં આવેલા પેટાવિસ્તાર મોમાઈનગરમાં વર્ષોથી લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જાય છે અને તેનું કારણ છે આ વિસ્તારના દબાણો. આ મુદ્દે વર્ષોથી રજૂઆતો છતાં કોર્પોરેશનના સત્તાવાળાઓ આ દબાણ હટાવતા નથી. આ બાબતે આ વોર્ડના નાગરિકો ઉપરાંત સતાધારી પક્ષના ચારેય કોર્પોરેટર દ્વારા પણ કમિશનર સમક્ષ રજૂઆત થયેલી છે.
વોર્ડ નંબર 2 ના જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, ડીમ્પલ રાવલ અને કૃપા ભારાઈ સહિતના ચાર કોર્પોરેટર દ્વારા ગત્ તા. 15 એપ્રિલના રોજ કમિશનરને લખવામાં આવેલા પત્રમાં આ બાબતે જણાવવામાં આવ્યું છે કે, આ વોર્ડમાં મોમાઈનગર નામના પેટાવિસ્તારની શેરી નંબર 1 થી 4 માં દર વર્ષે વરસાદી પાણીનો ભરાવો થાય છે. જેને કારણે રહેવાસીઓ હેરાન પરેશાન થઈ જાય છે. લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
આ સમસ્યાના અનુસંધાને પત્રમાં જણાવાયું છે કે, આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું કામ તાકીદે શરૂ કરવા લગત શાખાને સૂચનાઓ આપવામાં આવે. અને આ કામગીરીઓ સમયે જે કોઈ ‘દબાણો’ નડતરરૂપ થતાં હોય તે દબાણો પણ સાથેસાથે દૂર થવા જરૂરી છે. આ પત્રમાં એવો ચોંકાવનારો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે, આ મુદ્દે પાંચ પાંચ વર્ષથી રજૂઆત કરવામાં આવી રહી છે ! છતાં કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી નથી. આથી તાકીદે આ વિસ્તારના દબાણો દૂર કરવામાં આવે.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ વિસ્તારના મોમાઈનગરના રહેવાસીઓ પણ પાંચ પાંચ વર્ષથી આ બાબતે રજૂઆત કરી રહ્યા છે ! આખરે થાકી ગયેલા આ રહેવાસીઓએ ગઈકાલે બુધવારે આ બાબતે કલેક્ટર ઓફિસમાં આવેદન આપવું પડ્યું. આવેદનમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે, વરસાદી પાણીના નિકાલના માર્ગમાં આવતાં દબાણોના ધારકો વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ કાર્યવાહીઓ શરૂ કરવામાં આવે. અહીં એક ચોંકાવનારી બાબત પણ રહેવાસીઓ દ્વારા રજૂ થઈ. એમના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની જે કામગીરીઓ કરવામાં આવી રહી છે તે યોગ્ય રીતે થતી નથી ! કારણ કે, આ કામગીરીઓ દબાણોને બચાવીને કરવામાં આવી રહી છે. જો કે, આ બાબતે કોર્પોરેશનના સત્તાવાળાઓ કહે છે, આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે પાઈપલાઈન નાંખવાની કામગીરીઓ કરી લેવામાં આવી છે તેમાં દબાણોનો કોઈ પ્રશ્ન નથી !