Mysamachar.in- દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્યમથક ખંભાળિયામાં રહેતા એક શખ્સ દ્વારા ડી.પી. રોડની કપાતના મળવાપાત્ર પૈસા માટે ખોટું વારસાઈ પેઢીનામું તૈયાર કરાવી અને જમીન સંપાદનના નાણા પોતાના ખાતામાં જમા લઈ, વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા સબબ ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયામાં એલ.આઈ.સી. ઓફિસની પાછળના ભાગે રહેતા અને ડ્રાઈવિંગ કામ સાથે સંકળાયેલા ઈબ્રાહીમ આમદભાઈ ઘાવડા નામના વૃદ્ધ દ્વારા એસ.ટી. ડેપો રોડ પર જી.વી.જે. સ્કૂલની સામે રહેતા તેના ભાઈ ઈકબાલ આમદ ઘાવડા સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જાહેર કર્યું છે કે આરોપી ઈકબાલે પિતા આમદભાઈ તથા તેમના માલિકીની અહીંના હર્ષદપુર વિસ્તારમાં આવેલી સર્વે નંબર 69 પૈકીની બિનખેતી વાળી જગ્યા કે જે ડી.પી. રોડની કપાતમાં ગઈ હતી. આ કપાત જમીનના જમીન સંપાદન ખાતે આરોપી ઈકબાલે તેના જૂના માતાના વારસદારોની વારસાઈ છુપાવીને છેતરપિંડી કરવાના ઈરાદાથી ખોટું વારસાઈ પેઢીનામું તૈયાર કરી, જમીન સંપાદનમાં ખરા તરીકે રજૂ કરીને જમીન સંપાદનના રૂપિયા 85 લાખની રકમ પોતાના ખાતામાં જમા લઈ લીધી હતી.
આમ, ખોટા વારસાઈ પેઢીનામાં મારફતે રૂપિયા 85 લાખ જેટલી તોતિંગ રકમ પોતાના ખાતામાં મેળવી લઈને ઠગાઈ અને વિશ્વાસઘાત કરવા સબબ ખંભાળિયા પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 406, 420, 465, 467, 468 તથા 471 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પ્રકરણમાં પી.એસ.આઈ. આર.જી. વસાવાએ જરૂરી કાર્યવાહી કરી, આરોપીની અટકાયત કરી લીધી છે.