Mysamachar.in-ગાંધીનગર:
એક તરફ વાતાવરણમાં મોકડ્રીલ, બ્લેક આઉટ અને એલર્ટ તથા ચેકિંગ જેવા શબ્દો ઘૂમરાઈ રહ્યા છે, બીજી તરફ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીઓ યોજવા માટેના ચક્રો ગતિમાન બની ચૂક્યા છે. તમામ જિલ્લાઓના સત્તાવાળાઓ માટે ગાંધીનગરથી એક પત્ર સૂચનાના રૂપમાં મોકલી આપવામાં આવ્યો છે. આવતાં મહિને વરસાદ પહેલાં જ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીઓના ઢોલ વાગતા હશે.
રાજ્ય ચૂંટણી આયોગના સેક્રેટરી જી.સી.બ્રહ્મભટ્ટની સહીથી તમામ કલેક્ટરને આ પત્ર પાઠવાયો છે. જેમાં જણાવાયું છે કે, તમારાં જિલ્લામાં ચૂંટણીઓ માટે બેલેટ પેપર છપાવવા છાપખાનું નક્કી કરો. આ ઉપરાંત સરપંચપદ માટેના ઉમેદવારો દ્વારા જે ખર્ચ થનાર હોય તેના ધોરણો નક્કી કરવા સમિતિઓ રચી, આ માટેના રેટચાર્ટ તૈયાર કરાવી લેશો.
આ ઉપરાંત પત્રમાં કહેવાયું છે કે, ચૂંટણીઓ માટે પોલિંગ અને મતગણતરી માટેના સ્ટાફ નક્કી કરી તેમને ચૂંટણીતાલીમ આપવાની પ્રક્રિયાઓ સંપન્ન કરવાની રહે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જે ગ્રામ પંચાયતની મુદ્દત 01-04-2022 થી 30-06-2025 સુધીમાં પૂર્ણ થઈ હોય કે થતી હોય તે ગ્રામ પંચાયતો અને જે ગ્રામ પંચાયતોનું વિસર્જન થયું હોય કે વિભાજનથી નવી ગ્રામ પંચાયત તરીકે અસ્તિત્વમાં આવી હોય તે તમામ ગ્રામ પંચાયતોમાં આ ચૂંટણીઓ થશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ 3 પ્રકારની ગ્રામ પંચાયતોની કુલ સંખ્યા 8,400 જેટલી થશે એવો એક અંદાજ છે. આ ચૂંટણીઓમાં રાજકીય પક્ષોએ સીધો ભાગ લેવાનો હોતો નથી તેથી ઉમેદવારોને મેન્ડેટ આપવાની વગેરે પ્રક્રિયાઓ હોતી નથી. મતદાનમથકો નક્કી થશે, ચકાસણીઓ થશે, સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મથકોની યાદી તૈયાર થશે, પોલિંગ સ્ટાફનો ડેટાબેઝ તૈયાર થશે. આચારસંહિતા અમલ માટે સમિતિ બનશે. કોમ્યુનિકેશન પ્લાન બનશે. મતકુટિર, મતપેટી તથા શાહી વગેરેની ઉપલબ્ધતા નક્કી કરવાની તથા સ્ટાફ અને સાધનસામગ્રીના પરિવહન માટેની વ્યવસ્થાઓ ગોઠવવાની તૈયારીઓ પણ થશે. આ સાથે જ પોલીસ વિભાગની કામગીરીઓ પણ નક્કી થશે.(file image)
