Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત રાજ્ય વિકાસની રાહ પર સતત ને સતત આગળ વધી રહ્યું છે ત્યારે ખૂટતી કડીઓને જોડી અને આગામી 25 વર્ષનું ભાવી વિકાસ નકશો તૈયાર કરવાનું સરકારનું વિઝન હોવાનું ગતરોજ ગાંધીનગર ખાતે રાજ્યના તમામ કલેકટર ડીડીઓના વર્કશોપમાં સામે આવ્યું છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે નીતિ આયોગના સહયોગથી રાજ્યના જિલ્લા કલેક્ટર્સ જિલ્લા વિકાસ અધિકારીઓ માટેના ‘વર્કશોપ ઓન વિકસિત ગુજરાત@2047 ’નું આયોજન કરવામાં આવેલ.
આઝાદીના 75 વર્ષમાં દેશ અને રાજ્યમાં થયેલ વિકાસના પરિપ્રેક્ષ્યમાં અમૃતકાળનો એટલે કે આવનારા 25 વર્ષનો ડેવલપમેન્ટ રોડ-મેપ તૈયાર કરવાના વિઝન બાબતે મંથન-ચિંતન માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે જિલ્લા સ્તરે-ફિલ્ડમાં કામ કરતા યુવા સનદી અધિકારીઓને ‘વિકસિત ભારત @2047 ’ના વિઝન માટે ‘વિકસિત ગુજરાત @2047 ’નું લક્ષ્ય નિર્ધારિત સમય પહેલાં જ પાર પાડવાનું વિઝન રાખવા માટે પ્રેરક આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વિકાસના દરેક ક્ષેત્રે નંબર વન રહેલું ગુજરાત અમૃતકાળના વિકસિત ભારત માટે રાજ્યનું વિકાસ વિઝન @2047 તૈયાર કરનારું પ્રથમ રાજ્ય બને તેવી નેમ હોવાનું મુખ્યમંત્રીએ આ વર્કશોપમાં જણાવ્યું હતું.