Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર હાલાર અને આમ જૂઓ તો આખું સૌરાષ્ટ્ર જન્માષ્ટમી લોકમેળાઓ માટે થનગની રહ્યું છે, કારણ કે લોકમેળાઓ સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિનો એક મહત્વનો હિસ્સો અને એક મહાઉત્સવ છે. પરંતુ દર વર્ષ કરતાં, આ વર્ષે પરિસ્થિતિઓ સંપૂર્ણ અલગ છે કેમ કે, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના ઘેરા તથા કરૂણ અને દર્દનાક પડઘા આજની તારીખે પણ સૌરાષ્ટ્રમાં શમ્યા નથી.તેથી આ વખતે રાજ્ય સરકારે લોકમેળાઓ માટે અતિશય અઘરી અને કડક SoP જાહેર કરી છે.
એક તરફ સરકાર લાખો લોકોની સુરક્ષા તથા સલામતી મુદ્દે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં નથી, કેમ કે હાઈકોર્ટની આ બાબતે લાલ આંખ છે, બીજી તરફ સમગ્ર સૌરાષ્ટ્રમાં રાઈડ્સધારકોની તીવ્ર પ્રતિક્રિયાઓ એ છે કે, સરકારની SoPનું સંપૂર્ણ પાલન કોઈ પણ સંજોગોમાં શક્ય નથી. આ સ્થિતિને લીધે મામલો વડી અદાલત સમક્ષ છે અને આજે સાંજ સુધીમાં આ બાબતે ચિત્ર સ્પષ્ટ થવાની સંભાવનાઓ છે અને અચરજની વાત એ છે કે, વડી અદાલત પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે, એ પહેલાં જામનગર અને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે સાંજ સુધીમાં લોકમેળાઓના ઉદઘાટન માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી હોવાનું વર્તુળો જણાવે છે, તેનો એક અર્થ એવો પણ થઈ શકે કે, ભલે SoP કડક અને આવકારદાયક રહી, શહેરોના સ્થાનિક તંત્રો ગમે તેમ કરી ‘બાંધછોડ’ અપનાવી લોકમેળાઓ શરૂ કરાવી નાંખશે, અને એવા સમયે સો મણનો સવાલ એ ઉભો થઈ શકે કે, તો પછી લાખો લોકોની સુરક્ષા અને સલામતીની જવાબદારીઓ કોની રહેશે ? ધારો કે, ન કરે નારાયણ અને ક્યાંક, કંઈક અજૂગતું બની જાય, તો ?! રાજ્ય સરકાર તો છૂટી જશે, સ્થાનિક સ્તરે જવાબદારીઓ કોણ ઉઠાવશે ?
જામનગરના લોકમેળાની વાત કરીએ તો, અહીં રાજ્ય સરકારની કડક SoPનું સો એ સો ટકા પાલન થઈ રહ્યું છે, એવું નિવેદન કોઈ આપી શકવાની સ્થિતિમાં છે ? લોકમેળાઓ માટે પર્ફોમન્સ લાયસન્સ આપવાની સતાઓ ધરાવતી SDM કચેરી ખુદ SoP અંગે ખુલીને વાત કરતી નથી, ગોળગોળ વાતો કરે છે, બીજી તરફ દર વર્ષ માફક આ વર્ષે પણ જામનગરના લોકમેળાઓની લાલિયાવાડીઓ જગજાહેર ચર્ચાઓમાં છે. આ સ્થિતિમાં સરકારની કડક SoPનું ફીંડલું વાળી દઈ જામનગરમાં લોકમેળાના ભવ્ય ઉદઘાટનના ફોટાઓ અને વીડિયોઝ સાંજ સુધીમાં વાયરલ થઈ જશે ? થઈ શકશે ? એવા પ્રશ્નો અત્યારે, શુક્રવારે બપોરે નગરમાં ઘૂમરાઈ રહ્યા છે. અને, ધારો કે સાંજ સુધીમાં વડી અદાલત કંઈક અલગ જ અભિપ્રાય આપશે તો, સૌરાષ્ટ્રના તમામ લોકમેળાઓમાં સ્થિતિઓ શું બની શકે ?! એ પ્રશ્ન જાણકારોમાં હાલ ચર્ચાઓમાં છે.(file image source:google)