Mysamachar.in:ગાંધીનગર
જામનગરને પંજાબનાં અમૃતસર સાથે જોડતો નેશનલ હાઇવે આકાર લેશે. આ અંગે જો કે અગાઉ જાહેરાત થયેલી, પરંતુ તાજેતરમાં આ કામ મુદ્દે કેન્દ્રીય મંત્રી તથા ગુજરાતનાં મુખ્યમંત્રી વચ્ચે એક બેઠક યોજાઇ હતી. જેમાં આ હાઈવે સહિતના અન્ય નેશનલ હાઇવે અંગે ચર્ચાઓ થઈ છે. કેન્દ્રીય પરિવહનમંત્રી નિતીન ગડકરીનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલી એક બેઠકમાં ગુજરાતના જામનગર અને પંજાબનાં અમૃતસરને જોડતાં નેશનલ હાઇવે સહિત કુલ 22 નેશનલ હાઇવે અંગે ચર્ચાઓ અને સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કેન્દ્રીય મંત્રી સાથે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. ગડકરીની ગુજરાત મુલાકાત સમયે યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રી ઉપરાંત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સહિતના મહાનુભાવોએ ભાગ લીધો હતો.
નેશનલ હાઇવેનાં વિકાસ અને સુધારણા માટે ગુજરાતમાં કુલ 81 કામો માટે પાછલાં આઠ વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે રૂ. 52,775 કરોડ મંજૂર કર્યા છે. આ ઉપરાંત રૂ. 30,908 કરોડનાં ખર્ચે કુલ અન્ય 22 કામો આયોજનનાં તબક્કામાં છે. જેમાં કુલ 1,366 કિમીના નેશનલ હાઇવે બનશે. આ બેઠકમાં જામનગર અને અમૃતસરને જોડતાં નેશનલ હાઇવેની પણ ચર્ચા થઈ હતી.આ બેઠકમાં મોરબી-સામખિયાળી(કચ્છ) ફોરલેન માર્ગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જામનગર અને અમૃતસર વચ્ચે આ નેશનલ હાઇવે બનશે એટલે ગુજરાતને ઉત્તર ભારત સાથે જોડતો વધુ એક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાપ્ત થશે. અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં પંજાબીઓની મોટી વસતિ છે. અને, ગુજરાત તથા પંજાબ વચ્ચેનાં વ્યવસાયિક સંબંધો પણ ગાઢ છે. આ નેશનલ હાઇવે ગુજરાત તથા પંજાબ માટે વધારાની એક સુવિધા બની રહેશે. જેનો લાભ બંને રાજ્યોનાં અર્થતંત્રને તથા નાગરિકોને પ્રાપ્ત થશે.