Mysamachar.in-ગાંધીનગર:
પ્રસૂતિના 60-75 દિવસ અગાઉ સીમંત એટલે કે ખોળાભરત હોય છે. પરંતુ સરકારની ‘ગતિ’ ન્યારી હોય છે, સુવાવડ પણ પૂર્ણ થઈ ગઈ હોય પછી જાહેરાત થાય કે ખોળાભરતની ઉજવણી આ રીતે કરવાની રહેશે. આવી એક રમૂજી પરંતુ ગંભીર હકીકત બહાર આવી છે.
ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી સફાળી જાગેલી સરકારે પુલો અને બિસ્માર રસ્તાઓ પર ધ્યાન આપવાનું શરૂ કરતાં, દરેક મહાનગર અને જિલ્લાઓમાં બ્રિજ અને રસ્તાઓના નિરીક્ષણ થયા અને સમારકામ પણ થયા તથા સેંકડો બ્રિજ બંધ પણ કરવામાં આવ્યા. જેને કારણે ઘણી હાડમારીઓ પણ શરૂ થઈ છે. બીજી તરફ હકીકત એ પણ છે કે, અત્યાર સુધીમાં, તાજેતરમાં રાજ્યના 15,500 થી વધુ રસ્તાઓનું રીપેરીંગ પૂર્ણ પણ થઈ ગયું. ત્યારબાદ સરકાર તરફથી આ સમારકામ માટે SoP જાહેર કરવામાં આવી ! જેમાં જણાવાયું છે કે, સમારકામમાં કવોલિટી કેમ જાળવવી અને કામ ઝડપથી પૂર્ણ કેવી રીતે કરવા. આથી લોકો સમારકામ થયેલાં રસ્તાઓ અંગે હવે અલગ રીતે વિચારી રહ્યા છે.
10 થી 18 જૂલાઈ વચ્ચે, રાજ્યમાં સૌથી વધુ 4,511 રસ્તાઓનું સમારકામ વડોદરામાં થયું. સૌથી ઓછાં 247 રસ્તાઓનું સમારકામ ગાંધીનગર ખાતે થયું. જામનગરમાં આ સમય દરમ્યાન 304 રોડ રિપેર થઈ ગયા.
દરમ્યાન, સરકારે SoPમાં એમ જાહેર કર્યું છે કે, રસ્તાઓ તથા ખાડાઓનું રોજેરોજ નિરીક્ષણ કરવા જવાનું. બધાંના ફોટાઓ એકત્ર કરવાના. જરૂરી પેપરવર્ક કરવાનું અને બધું જ સમારકામ કરવાનું અને એ પણ 48 કલાકની અંદર આ બધાં કામ પૂર્ણ કરવાના. શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી એમ. થેન્નારાસને આ વિગતો જાહેર કરતાં કહ્યું કે, રાજ્યની તમામ 17 મહાનગરપાલિકાઓમાં આ કામો માટે અધિકારીઓની જવાબદારીઓ પણ નક્કી કરવામાં આવી છે. 10 થી 16 જૂલાઈ દરમ્યાન બધી જ મહાનગરપાલિકાઓમાં કુલ મળી 600 કિમી રસ્તાઓના સમારકામ પૂર્ણ થઈ ચૂક્યા છે એવા ‘કાગળો’ ગાંધીનગર સુધી પહોંચી ગયા છે.