Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામથકની એક ખાનગી હોસ્પિટલમાં ગર્ભપરીક્ષણ સંબંધી કાયદાના પાલનમાં અનિયમિતતા જોવા મળી હતી. જે અંગે સાત વર્ષ અગાઉ ફરિયાદ થયેલી, આ મામલામાં સ્થાનિક અદાલતે મુખ્ય તબીબને જેલનો તથા મહિલા તબીબને દંડનો હુકમ કર્યો છે.
આ કેસ 2018માં દાખલ થયો હતો. જામનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ધ્રોલની પાર્થ હોસ્પિટલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેતે સમયે રેકોર્ડ પર એમ નોંધાયુ કે, આ હોસ્પિટલમાં જે બહેનોને ડમી દર્દીઓ તરીકે સોનોગ્રાફી માટે મોકલવામાં આવી હતી, તે બહેનોના નામો આ માટેના રજિસ્ટરમાં દાખલ કરવામાં આવ્યા ન હતાં. આથી તંત્રએ પીસી એન્ડ પીએનડીટી કાયદા અંતર્ગત ફરિયાદ દાખલ કરાવેલી. ધ્રોલ અદાલતે આ કેસમાં ડો. હીરેન કણઝારિયાને એક વર્ષની કેદની સજા, રૂ. પાંચ હજારનો દંડ તથા ડો. સંગીતા દેવાણીને રૂ. પાંચ હજારના દંડનો હુકમ કર્યો છે. ડો. સંગીતા દેવાણીએ જામીન તરીકે રૂ. 25 હજાર જાતમુચરકા પેટે 3 વર્ષ માટે જમા કરાવવાના રહેશે