Mysamachar.in-જામનગર:
ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની નિશ્રામાં એક વૈદિક પ્રચાર – પ્રસાર ચિંતન ગોષ્ઠી અને FILM “1857 DIARY : THE HIDDEN PAGES” નામના ચલ ચિત્રના પોસ્ટરનું વિમોચન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આર્યસમાજ – જામનગરના પ્રમુખ અને ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી દીપકભાઈ ઠક્કરને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે મંચસ્થ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.
સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભાના પ્રમુખ સુરેશચંદ્ર આર્ય દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું અને દીપકભાઈ ઠક્કર દ્વારા સમગ્ર ગુજરાતની આર્યસમાજોના કાર્યોની વિસ્તારપૂર્વક માહિતી આપી અને આદરણીય રાજ્યપાલ ના ૯૦ મિનીટના સુંદર ઉદાહરણીય પ્રવચનમાં તેમણે જણાવેલ કે, ૧૯ મી સદીના મહાન સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીજી સમાજને અંધવિશ્વાસ, કુરીતિઓ, જાતિવાદમાંથી મુક્ત કરવાનું કાર્ય કરેલ. મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના આદર્શ, આત્મનિર્ભરતા, સ્વદેશી, મહિલા સશક્તિકરણ અને સામાજિક સમરસતાને વ્યવહારમાં લઈ આવવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં આર્યસમાજ – જામનગરમાંથી નરેન્દ્રભાઈ મહેતા અને વિનોદરાય નાંઢા સહિત ગુજરાતભરના આર્ય શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
