Mysamachar.in-જામનગર:
વીજતંત્ર કેટલીક બાબતોમાં આધુનિક અને ગતિશીલ બન્યું છે એ હકીકત હોવા ઉપરાંત એ પણ હકીકત છે કે, વીજતંત્ર દ્વારા પરંપરાગત રીતે જે કામો થાય છે તેમાં કવોલિટીની દ્રષ્ટિએ ખાસ કશો સુધારો જોવા મળતો નથી, કેમ કે ઉપલી કેડરના અધિકારીઓ નીચલી કેડરના અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી ટનાટન કામ લેવાની બાબતમાં બહુ નોંધપાત્ર રીતે સફળ રહેતાં નથી જેને કારણે મોટાભાગની રૂટિન કામગીરીઓમાં વેઠ ઉતારવામાં આવતી હોય, તેવી સ્થિતિ જોવા મળે છે જેને પરિણામે તંત્રને એટલે કે પ્રમાણિક ગ્રાહકોને તો નુકસાન ભોગવવું પડે જ છે ઉપરાંત કેટલાંક જોખમો પણ સર્જાતા રહે છે.
વીજતંત્ર કરોડો રૂપિયાની માલસામાન તથા સાધનોની ખરીદી કરતું હોય છે, ઘણાં કિસ્સાઓમાં આ સાધનોની ગુણવત્તા પણ શંકાના પરિઘમાં હોય છે. ઘણાં કિસ્સાઓમાં ટ્રાન્સફોર્મર અને વીજથાંભલાઓ યોગ્ય રીતે લગાડવામાં આવ્યા હોતાં નથી, ઘણાં ટ્રાન્સફોર્મર એટલી બધી ઓછી ઉંચાઈએ લગાડવામાં આવ્યા હોય છે અને ત્યાં હેવી વીજલાઈનો એવી રીતે ફીટ કરવામાં આવી હોય છે જેને કારણે પશુઓ અને માણસો પર જોખમ સર્જાતું હોય છે, ઘણાં કેસમાં આવી જગ્યાઓ પર અકસ્માત પણ થતાં હોય છે. આવા અકસ્માત બાદ કોઈની જવાબદારીઓ ફિક્સ પણ કરવામાં આવતી નથી, અને પશુઓ અથવા માનવમોતના કિસ્સાઓમાં તંત્ર દ્વારા ભોગ બનનાર પરિવારોને કોઈ પણ પ્રકારનું વળતર પણ આપવામાં આવતું નથી, તંત્રના કસૂરવારોને કોઈ પણ પ્રકારની સજાઓ પણ થતી નથી અને તંત્ર આવા બનાવોને ગંભીરતાથી લેતું પણ નથી.
મોટાભાગના કિસ્સાઓમાં વીજવાયરો અતિ જર્જરિત થઈ ચૂકયા હોય છે, મોટાભાગના સર્વિસ વાયરો તથા વીજવાયરો ઝૂલતાં અને ઢીલાં હોય છે, અવારનવાર વીજવાયરો અને વીજથાંભલાઓ તૂટી પડવાના બનાવો પણ બનતાં રહે છે. જેને લઈને અકસ્માતો પણ સર્જાતા હોય છે. ઘણાં બધાં ટ્રાન્સફોર્મર વારંવાર ફેલ થઈ જતાં હોય છે. અમુક ટ્રાન્સફોર્મર વારંવાર રીપેર કરવા પડતાં હોય છે. સંખ્યાબંધ કિસ્સાઓમાં ટ્રાન્સફોર્મર ફેલ થવાથી સંબંધિત વિસ્તારોમાં કલાકો સુધી વીજપૂરવઠો ખોરવાઈ જતો હોય છે. ઘણાં બધાં વીજથાંભલાઓ ત્રાંસા થઈ ગયા હોય છે, ઘણાં વીજથાંભલાઓ તૂટી પણ પડતાં હોય છે જેને કારણે અકસ્માત પણ સર્જાતા હોય છે અથવા કલાકો સુધી જેતે વિસ્તારોમાં વીજપૂરવઠો બંધ પણ રાખવો પડતો હોય છે. આ પ્રકારની તમામ નુકસાની અંતે તો પ્રમાણિક વીજગ્રાહકોએ જ સહન કરવી પડતી હોય છે, તંત્રના અધિકારીઓનો આવા કિસ્સાઓમાં વાળ પણ વાંકો થતો નથી, તંત્રમાં સર્વત્ર બેજવાબદારીઓ અને ઉદાસીનતાનું વાતાવરણ જોવા મળતું હોય છે!
વર્ષ દરમિયાન જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં ઘણી વખત વાવાઝોડું કે વાવાઝોડાં જેવી સ્થિતિ ઉભી થતી હોય છે, આવા સમયે હાલારના વિસ્તારોમાં વધુ નુકસાન થતું હોય છે, વધુ વીજથાંભલાઓ તૂટી પડતાં હોય છે, ખરેખર તો આ તોતિંગ નુકસાન પણ તપાસનો વિષય લેખાવી શકાય. એકંદરે એમ કહી શકાય કે, તંત્રની કામગીરીઓમાં ગુણવત્તાનો અભાવ અથવા ઓછી ગુણવત્તા કાયમ ચર્ચાસ્પદ મુદ્દો બની રહે છે, જેની કયારેય તપાસ થવા પામતી નથી, એ પણ શંકાસ્પદ મામલો છે.