Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે સરકાર તથા પક્ષો જબરદસ્ત તૈયારીઓમાં વ્યસ્ત છે. પરંતુ મતદારોની વાત કરીએ તો, તેઓ હાલમાં ખૂબ જ અનિશ્ચિત વાતાવરણ અનુભવી રહ્યા છે, જેને કારણે સૌ પોતપોતાના તર્કવિતર્ક રેસનાં ઘોડાઓની માફક દોડાવી રહ્યા છે ! સામાન્ય રીતે કોઈ પણ ચૂંટણી જાહેર થાય એ પહેલાં ચોક્કસ બેઠકો માટે સંભવિત ઉમેદવારોનાં નામો, મતદારોનાં મનમાં લગભગ સ્પષ્ટ થઈ જતાં હોય છે. આ વખતે સ્થિતિ જુદી છે. ક્યાંય, કોઈ છાતી ઠોકીને વાત કરતું જોવા મળતું નથી ! આ પ્રકારની પ્રવાહી સ્થિતિને કારણે મતદારોને પોતાનાં મંતવ્યો આમતેમ દોડાવવાની મોજ પડી રહી છે !
થોડાં થોડાં સમયે, એવું સાંભળવા કે વાંચવા-જોવા મળતું રહે છે કે, વિધાનસભા ચૂંટણી ફલાણી તારીખે જાહેર થઈ જશે. ફલાણી તારીખોએ મતદાન થઈ શકે છે. કેટલાંક લોકો તો વળી પરિણામની સંભવિત તારીખો અને નવી સરકારની રચના કયા સમયે કરી શકાય ? તેનાં પણ અડસટા ( અંદાજો) ચર્ચી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, બંને મુખ્ય પક્ષો દાવેદારો-સંભવિત ઉમેદવારો અંગે જાહેરમાં ક્યાંય, કોઈ પણ પ્રકારની ચર્ચા કરી રહ્યા નથી. આ પક્ષો ઉમેદવારો નક્કી કરવા પક્ષનાં સંસદીય બોર્ડની બેઠક સંભવિત કઈ તારીખોમાં બોલાવી શકે છે ?! અથવા તો, કયા પક્ષની ઉમેદવારોની યાદીઓ કયારે જાહેર થઈ શકે છે ?! વગેરે બાબતો અંગે ગજબ ચૂપકીદી સેવાઈ રહી હોય, મતદારો અને કાર્યકરો તો સમજ્યા, ખુદ દાવેદારોની માનસિક સ્થિતિ અને સ્થિરતા વિચિત્ર બની રહી હોવાની સ્થિતિ સર્જાઈ હોવાનું કહેવાય રહ્યું છે !
દરમિયાન, શાસકપક્ષ સમગ્ર રાજ્યમાં છવાયેલો દેખાય છે, અથવા છવાઈ જવાનાં પેંતરાઓમાં વ્યસ્ત છે અને બીજી બાજુ મુખ્ય વિપક્ષ જાણે કે, બહુ ઉત્સાહિત નથી ! એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને, થર્ડ પાર્ટી પાસે તો સટીક સ્થાનિક નેતાઓની અછત હોય, તેઓ જુદાં અર્થમાં માથું ખંજવાળી રહ્યા હોય તેવું પણ શક્ય છે ! એમ, લોકચર્ચાઓ પરથી સમજાઈ રહ્યું છે.
આગામી વિધાનસભા ચૂંટણી તદ્દન અનોખી પૂરવાર થશે ?! એવો અંદેશો પણ સંખ્યાબંધ લોકો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે, ગુજરાતી લોકોક્તિ ‘ ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે ?!’ યાદ આવી જાય એવું હાલનું રાજકીય અને સામાજિક વાતાવરણ જોવા મળી રહ્યું છે !