Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ હવે આધુનિક યુગમાં પ્રવેશવાની તૈયારીઓમાં છે. સમિતિ હસ્તક 2 સ્માર્ટ સ્કૂલ તૈયાર કરવામાં આવી છે. આ બંને સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં ઉપલબ્ધ થઈ શકશે. આગામી શૈક્ષણિક સત્રથી આ સ્કૂલોને મંજૂરીઓ મળી જશે, એમ હાલ માનવામાં આવી રહ્યું છે. મંજૂરીઓ મળી જશે તો, આ સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરી શકાશે. જો કે, એ માટે સ્ટાફ વગેરેની કાર્યવાહીઓ ઝડપથી નિપટાવવી પડે.
જામનગર મહાનગરપાલિકાએ શિક્ષણ સમિતિ હસ્તકની કુલ 44 સ્કૂલ પૈકી 2 સ્કૂલને સ્માર્ટ સ્કૂલ તરીકે તૈયાર કરી છે. આ 2 સ્કૂલ તૈયાર કરવા પાછળ રૂ. 4 કરોડનો ખર્ચ થયો છે. સમિતિ આ 2 સ્કૂલને અંગ્રેજી માધ્યમની સ્કૂલ તરીકે સંચાલિત કરવા ચાહે છે. હાલમાં સમિતિ હસ્તકની તમામ સ્કૂલમાં માત્ર ગુજરાતી માધ્યમમાં જ શિક્ષણ આપવામાં આવે છે.

મહાનગરપાલિકાએ આ 2 સ્કૂલ પૈકી 1 સ્કૂલ સોનલનગર વિસ્તારમાં તૈયાર કરી છે. જે શાળા નંબર 31 તરીકે ઓળખાય છે અને વામ્બે આવાસ નજીક આવેલી છે. આ ઉપરાંત અન્ય એક સ્માર્ટ સ્કૂલ એસટી ડેપો તથા મિગ કોલોની વચ્ચેના વિસ્તારમાં મુખ્ય રોડ પર આવેલી છે, જે દેવરાજ દેપાળ સ્કૂલ તરીકે જાણીતી છે. આ બંને સ્કૂલમાં આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ બંને સ્કૂલની નવીનીકરણની કામગીરીઓ ગત્ ઓગસ્ટમાં પૂર્ણ થઈ છે. રાજ્ય સરકારમાં મંજૂરીઓની કાર્યવાહીઓ માર્ચ માસ દરમિયાન થતી હોય, સમિતિએ આ મંજૂરીઓ માટે સરકારમાં જરૂરી કાગળો કર્યા હોવાનું શાસનાધિકારી ફાલ્ગુની પટેલએ જણાવ્યું છે. મંજૂરીઓ મળી ગયે આ બંને સ્કૂલ શરૂ કરી દેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં ખાનગી અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં પ્રવેશ કામગીરીઓ ચાલી રહી છે. અને, સમિતિ હસ્તકની આ અંગ્રેજી સ્કૂલોમાં વિનામૂલ્યે અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ ઉપલબ્ધ થશે એ ખરૂં પરંતુ આ સ્કૂલો માટેની મંજૂરીઓની પ્રક્રિયાઓ તેમજ જરૂરી સ્ટાફની નિમણૂંક વગેરેની કાર્યવાહીઓ પણ હજુ બાકી હોવાથી, આગામી જૂનમાં શરૂ થતાં નવા શૈક્ષણિક વર્ષમાં આ નવી સ્માર્ટ સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થઈ શકશે કે કેમ ? તે પ્રશ્નનો ઉત્તર હાલ જો અને તો વચ્ચે છે.
આ બંને નવી સ્કૂલમાં દરેક ક્લાસ રૂમમાં ટચ સ્ક્રીનવાળા ઈન્ટરનેટ કનેકટેડ મોટા સ્ક્રીન એટલે કે બોર્ડ, આધુનિક બેઠક વ્યવસ્થાઓ, પ્રોજેક્ટર રૂમ, આધુનિક લાઇબ્રેરિ, લેબોરેટરી, ફાયર ફાઈટીંગ સિસ્ટમ તથા ટોઈલેટ બ્લોક વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આગામી 9 જૂને વેકેશન રિ-ઓપન થઈ રહ્યું છે, એ અગાઉ સ્કૂલ શરૂ કરવાની બધી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ શકશે ? અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ આ સ્કૂલમાં એડમિશન ક્યારે મેળવવું- વગેરે બાબતો હજુ સુધી નિર્ણીત થઈ ન હોય, આગામી જૂનમાં શરૂ થનારા નવા શૈક્ષણિક વર્ષમાં આ સ્કૂલોનો લાભ વિદ્યાર્થીઓને મળી શકશે કે કેમ ? એ સવાલ હાલ જો કે નિરૂતર લેખાવી શકાય.
