Mysamachar.in-ગુજરાત:
એક તરફ સરકાર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રેપોરેટ એટલે કે વ્યાજદર ઘટાડવા રિઝર્વ બેંક પર દબાણ લાવી રહી છે, બીજી તરફ હકીકત એ છે કે- બેફામ મોંઘવારી, ફૂગાવો અને ધીમી આર્થિક વૃદ્ધિ જેવા કારણોસર રિઝર્વ બેંક ધારે તો પણ વ્યાજદર ઘટાડી ન શકે તેવી સ્થિતિઓ હોવાને કારણે, આજે વધુ એક વખત રિઝર્વ બેંકે રેપોરેટ યથાવત્ રાખતાં કરોડો નાગરિકોની લોન સસ્તી થવાની અને EMIમાં ઘટાડો થવાની આશા પર પાણી ફરી ગયું છે.

આ અગિયારમી વખત છે જેમાં રિઝર્વ બેંક રેપોરેટ ઘટાડી શકી નથી. છેલ્લા બે વર્ષથી કરોડો લોકો આશા રાખી રહ્યા છે કે, લોન સસ્તી થાય, EMI ઘટે. પરંતુ સંજોગો પ્રતિકૂળ હોય રિઝર્વ બેંક લોકોને રાહત આપી શકતી નથી. મોંઘવારી, ફૂગાવો અને ધીમી આર્થિક વૃદ્ધિ જેવા કારણોને લઈ રિઝર્વ બેંક વ્યાજદર ઘટાડી શકતી નથી. ફૂગાવો અને મોંઘવારી રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા લક્ષ્યાંક કરતાં વધુ હોય લોન સસ્તી થતી નથી, EMI નાના થઈ શકતા નથી. કરોડો લોકો રાહત ઈચ્છી રહ્યા છે, પરંતુ એમ શક્ય બન્યું નથી.
