Mysamachar.in-ગુજરાત
જામનગર મહાનગરપાલિકા અને જામનગર જીલ્લા પંચાયત સહિતની ચૂંટણીઓ કદાચ પાછળ ઠેલાઈ શકે છે, કારણ કે કોરોના વાયરસની મહામારીના કારણે રાજ્ય સહિત સમગ્ર દેશમાં તહેવારોથી લઈને મોટા ઉત્સવો પર હાલ પુરતું ગ્રહણ લાગ્યું છે, ત્યારે હવે ચૂંટણીઓને પણ કોરોનાએ પોતાના ચક્રવ્યૂહમાં લીધી છે. જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળે છે તે પ્રમાણે આ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નહીં યોજાય. રાજ્યમાં 6 મનપા, 228 તાલુકા પંચાયત અને 31 જિલ્લા પંચાયતની ચૂંટણીઓ થનાર છે.
તમામ ચૂંટણીઓની નવેમ્બર મહિનામાં મુદ્દત પુરી થઈ રહી છે.જેમા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર સહિત મહાનગર પાલિકાઓની 228, તાલુકા પંચાયતો ,31 જિલ્લા પંચાયતો સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદત નવેમ્બર માસમાં પૂર્ણ થનાર છે.
કોરોના મહામારીને ધ્યાને રાખીને બેથી ત્રણ મહિના ચૂંટણી પાછળ લઈ જવા માટે વિચારણા કરાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષકો, મહેસુલી કર્મચારીઓ સહિત સંગઠનો દ્વારા ચૂંટણીઓ યોજવા બાબતે વિરોધ કરાયો છે. જો કે સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, કોરોનાના કારણે 2થી 3 મહિના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછી ઠેલાઈ શકે છે. ચૂંટણીઓ પાછળ લઈ જવા તંત્રમાં વિચાર વિમર્શ ચાલી રહ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે.જો કે ચુંટણીઓ યોજવી કે પાછળ ઠેલવી તે અંગે હજુ નિર્ણય થયો નથી, હજુ ચર્ચાઓ ચાલે છે પરંતુ આ અંગેનો આખરી નિણર્ય ચુંટણીપંચે કરવાનો છે.