Mysamachar.in-જામનગર:
જામનગર સહિત હાલાર કે પછી સમગ્ર રાજ્યની સ્થિતિઓ જોઈએ તો ઔદ્યોગિક એકમોમાં આગ અને અકસ્માતો સર્જાતા રહેતાં હોય છે અને તે પૈકી ઘણાં અકસ્માતો જિવલેણ પણ જાહેર થતાં રહેતાં હોય છે. ગુજરાત સરકારે આ સ્થિતિઓ વચ્ચે, એક પોઝિટીવ સમાચાર આપ્યા. જેની વિગતો જાણવાલાયક છે.
ગુજરાત સરકાર કહે છે: રાજ્યમાં છેલ્લા 3 વર્ષ દરમ્યાન એટલે કે 1,000 કરતાં પણ વધુ દિવસો દરમ્યાન, રાજ્યમાં એક પણ ઔદ્યોગિક એકમમાં બોઈલર કે ઈકોનોમાઈઝર સંબંધિત પ્રાણઘાતક અકસ્માત સર્જાયો નથી. અને, આ પ્રકારની મશીનરીને ‘પ્રમાણપત્ર’ આપવાની પ્રક્રિયાઓ દરમ્યાન સરકારને આ સમયગાળા દરમ્યાન રૂ. 36 કરોડથી વધુ માતબર રકમની નિરીક્ષણ ફી તરીકે આવક પણ થઈ છે.
સરકાર વધુમાં જણાવે છે કે, આ 3 વર્ષ દરમ્યાન રાજ્યમાં 23,000 કરતાં વધુ બોઈલરનું નિરીક્ષણ કરી લેવામાં આવ્યું. આ સાથે 675 ઈકોનોમાઈઝરને પણ પ્રમાણિત કરવામાં આવ્યા. ટેકનોક્રેટ વિભાગે આ કાયદાઓના અમલીકરણમાં અસરકારક ભૂમિકાઓ ભજવી છે, ઉદ્યોગોમાં રક્ષણ-સલામતી પૂરાં પાડ્યા છે.
-જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ સંબંધે સ્થાનિક તંત્ર જણાવે છે કે…
આ સમગ્ર વિષય સંબંધે આજે સવારે Mysamachar.in દ્વારા ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના મુખ્ય અધિકારી યોગેશ પેંઢારનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, જામનગર સહિતના હાલારમાં બોઈલર અકસ્માત કે ઈકોનોમાઈઝર અકસ્માતમાં પાછલાં 3 વર્ષ દરમ્યાન એક પણ કામદારનો જિવ ગયો નથી. આ ઉપરાંત જામનગર જિલ્લામાં અઢી વર્ષ દરમ્યાન અને દ્વારકા જિલ્લામાં પાછલાં બે વર્ષ દરમ્યાન એક પણ ઔદ્યોગિક એકમમાં ફાયર અકસ્માતમાં કોઈ જ કામદારનું મૃત્યુ થયું નથી.
