Mysamachar.in-જામનગર:
જામનગર લોકસભા ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ અને જામનગર ગ્રામ્ય વિધાનસભાની પેટા ચૂંટણીનાં ઉમેદવાર રાઘવજી પટેલ સમર્થનમાં ગઈકાલે હાપા,દરેડ,બેડ,આમરા અને સિક્કા ખાતે વિજય વિશ્વાસ સંમેલન અને જાહેર સભાઓનું આયોજન થયું હતું.જેમાં દરેડ ખાતે ચેલા જિલ્લા પંચાયત સીટ, સિક્કા પાટીયે બેડ જિલ્લા પંચાયત સીટ વિસ્તાર,આમરા ખાતે આમરા જિલ્લા પંચાયત સીટ વિસ્તાર તથા સિક્કા ગામે પંચવટી કોલોનીમાં વિશાળ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જામનગર ગ્રામ્ય સીટ હેઠળ આવતા વિસ્તારોમાં ગઇકાલે યોજાયેલ સભા અને સંમેલનો દરમ્યાન પૂનમબેન માડમને દરેક ગામોમાં જબરો આવકાર આપી અને સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું,
હાપા ખાતે મોરકંડા જિલ્લા પંચાયત સીટના યોજાયેલ સંમેલનમાં લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમનું હાપા ખાતે ઢોલ-શરણાઈના સૂર સાથે ગામઠી સ્ટાઈલથી બળદગાડામાં બેસાડી જાજરમાન સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં આહીર સમાજના અને રીટાયર્ડ ASI રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા વશરામભાઈ આહીરનું ભાજપમાં વિધિવત પ્રવેશ થયો હતો,વશરામભાઈ આહીર સાથે જેસંગભાઈ આહીર અશ્વિનભાઈ છૈયા સહિતની તેમની ટીમના કેટલાય સભ્યો પણ ભાજપમાં જોડાયા હતા,ઉપરાંત બેરાજાના કેશુભાઈ ખીમાણીયા પણ ભાજપમાં જોડાયા હતા,સિક્કા ગામે પંચવટી સોસાયટીમાં ૧૨-જામનગર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના ચૂંટણી કાર્યાલયને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું,જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા અને “પૂનમબેન ફિરસે” “મોદી ફિરસે”ના નારાઓ લાગ્યા હતા.
સભાને સંબોધન કરતા પૂનમબેન માડમે ભાજપની ટીમની પ્રશંસા કરી અને ટીમવર્કને કારણે જ પોતે સંસદની સફર સુધી પહોંચ્યા હોવાનું જણાવતા કહ્યું કે જામનગરની પ્રથમ મહિલા સાંસદ તરીકે દરેક સમાજનો અવાજ,સમસ્યા કેન્દ્ર સુધી પાછલા 5 વર્ષોમાં પહોંચાડી તેનું નિરાકરણ કર્યાનો આજે પણ ખુબ જ સંતોષ છે.સાથે જ પૂનમબેને કેન્દ્ર અને રાજ્યની યોજનાઓની પ્રશંસા કરતાં કહ્યું કે ભાજપની સરકારો કામ કરનારી અને દોડતી સરકાર છે, નબળું અને માયકાંગલું નેતૃત્વ સ્વીકારતી નથી અને વધુ એક વખત કેન્દ્રમાં મોદી સરકાર બનશે તેવો દ્રઢ વિશ્વાસ પણ પૂનમબેને મંચ પરથી વ્યક્ત કર્યો હતો,
વધુમાં પૂનમબેને કહ્યું કે પહેલા જામનગર લોકસભાની સીટને દરેક પક્ષ અઘરી માનતા હતા પરંતુ મારી કામગીરીને કારણે આ સીટને A ગ્રેડની બનાવી દીધી છે. પાછલા 5 વર્ષની કામગીરી દરમ્યાન છેલ્લા ૧૫ વર્ષના પડતર પ્રશ્નોની કેન્દ્રમાં સફળ રજૂઆત કરી અને હકારાત્મક નિકાલ પણ કરવાનો શ્રેય પૂનમબેન માડમને મળ્યો છે.ગઇકાલે યોજાયેલ સંમેલન અને સભાના કાર્યક્રમ દરમ્યાન લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમ સાથે રાઘવજીભાઈ પટેલ,ચંદ્રેશભાઈ પટેલ,મુકુન્દભાઈ સભાયા,કુમારપાલસિંહ રાણા, ડો.ડાંગર, ડો.પી.બી.વસોયા, પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઇ ધારવીયા,ભનુભાઈ ચૌહાણ, મેરામણભાઈ ભાટુ,તાલુકા પંચાયત પ્રમુખ જયુભા જાડેજા,પાલાભાઈ કરમૂર,ધવલભાઈ દવે, વિનુભાઇ ભંડેરી,વિસ્તારક અભયસિંહ ચૌહાણ,મુળુભાઇ બેરા,દિલીપસિંહ ચુડાસમા,રામભાઇ ગઢવી,હાપા સરપંચ મહેશભાઇ બસરીયા,મકવાણાના સરપંચ મુકેશભાઇ પ્રજાપતિ સહિતના ૧૮ ગામના સરપંચો જેવા આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.