Mysamachar.in-અમદાવાદ
દિનપ્રતિદિન લોકો સુંદર યુવતીઓની મોહપાશમાં ફસાઈ અને હનીટ્રેપનો શિકાર બની રહ્યા છે, પણ જાગૃતિ કેળવવાનું નામ નથી લેતા, આવો વધુ એક કિસ્સો ઉજાગર થયો છે, જેમાં વિરમગામના એક પરિણીત વેપારી યુવાનને ફેસબુકમાં મિત્રતા થયા બાદ રોમાન્સ ભારે પડી ગયાનો બનાવ સામે આવ્યો છે, યુવાને યુવતી સહિત છ વ્યક્તિ વિરુદ્ધમાં છેતરપિંડી, મારઝૂડ કરીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 2,45,000 પડાવી ગયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે,
આ બનાવની ફરિયાદ મુજબ શહેરના અલ્પેશ શાહ નામનો વેપારી યુવાન ફેસબુક ઉપર એક વર્ષ પહેલાં પૂજા નામની યુવતી સાથે સંપર્કમાં આવ્યો હતો. ગત તારીખ 19/10/2020ના રોજ યુવતી વિરમગામ આવી હતી અને યુવાનના રહેણાંક મકાનમાં બંને મળી રોમાન્સ કરતાં હતાં. એ દરમિયાનમાં મકાનનો દરવાજો ખખડતા યુવાને દરવાજો ખોલ્યો હતો. તુરંતજ ચાર વ્યક્તિ ઘરમાં ઘૂસી આવીને અલ્પેશ શાહને એક બાજુ બેસાડી દીધો હતો.
બીજીતરફ પૂજા એ અલ્પેશને અંધારામાં રાખીને મોબાઇલ છૂપાવી રોમાન્સનો વીડિયો કેદ કર્યો હતો. જે મોબાઈલ પૂજાએ ઘૂસી આવેલા તેના સાથીદારોને આપ્યો હતો અને સાથીદારોએ અલ્પેશને વીડિયો બતાવી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મારઝૂડ કરીને વીસ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. બાદમાં અલ્પેશને તેનાજ વાહનમાં આ ગેંગ પોતાની સાથે હાઇવેમાર્ગ પર લઇ ગયા હતાં.
જ્યાં અલ્પેશે મિત્ર પાસે પૈસા મગાવી કુલ 2,45,000 આપતા તેનો છુટકારો થયો હતો. આ બનાવની અલ્પેશ શાહે પોતાની સાથે છેતરપિંડી, મારઝૂડ કરી પૂજા પ્રજાપતિ, સુલતાન, હિતો ગોહિલ, સહદેવ પ્રજાપતિ, ઇરફાન તથા શક્તિ નામના છ વ્યક્તિઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા વિરમગામ રૂરલ પોલીસે આં તમામ સામે ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.