Mysamachar.in:ગાંધીનગર
જામનગર સહિત સમગ્ર રાજયમાં કોર્પોરેશન હસ્તકના ઢોરડબ્બા અને ગૌશાળા સહિતના એકમોએ આગામી દિવસોમાં પોતાના એકમોમાં ખાસ કરીને પાણી અને હવાના પ્રદૂષણનું નિયંત્રણ કરવાની ચિંતાઓ કરવી પડશે. આ માટેની ગતિવિધિઓ શરૂ થઈ છે. કેન્દ્ર સરકાર હસ્તકના સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડએ જૂલાઈ, 2020માં આ માટે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ માર્ગદર્શિકાનો ગુજરાતમાં અમલ કરવા, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હાલ કાર્યવાહીઓ શરૂ કરવામાં આવી છે. બોર્ડ દ્વારા પબ્લિક નોટિસ બહાર પાડવામાં આવી છે. આ નોટિસના માધ્યમથી બોર્ડે સૌ સંબંધિતોને આ ગાઈડલાઈનના અમલ અંગે જાણકારીઓ આપી છે અને આ ગાઈડલાઈનનો અમલ સંબંધિત બધાં એકમોએ કરવો ફરજિયાત છે એમ જણાવ્યું છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એક ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. આ ફોર્મમાં જણાવવામાં આવ્યું છે કે, કોર્પોરેશન અને પાલિકાઓ હસ્તકના ઢોર ડબ્બા, પશુપાલકો, ગૌશાળાઓ અને ડેરી ફાર્મ ધરાવતા એકમોએ આ ફોર્મમાં પશુઓની સંખ્યા સહિતની બધી જ માંગવામાં આવેલી વિગતો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આપવાની રહેશે.કેમ કે, કેન્દ્રની આ ગાઈડલાઈનનો અમલ કરાવવાની જવાબદારીઓ અને અધિકારો બોર્ડને પ્રાપ્ત થયેલા છે. શહેરી અથવા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા આ તમામ એકમોએ પશુઓની સંખ્યા, આ એકમોએ છાણ મૂત્ર તથા વપરાશી પાણીના નિકાલની ગોઠવેલી વ્યવસ્થા વગેરે વિગતો જાહેર કરવાની થશે. આ ઉપરાંત ગાઈડલાઈનમાં એમ પણ કહેવાયું છે કે, આ દરેક એકમોએ વિવિધ એજન્સીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા પર્યાવરણીય નિયમો સહિતના તમામ નિયમો અને જોગવાઈઓનું કડક રીતે પાલન કરવાનું રહેશે.
ગાઈડલાઈનમાં વધુમાં જણાવાયું છે કે, કોઈ પણ પશુઓ સંબંધિત એકમો જો પર્યાવરણીય નિયમોનો ભંગ કરશે તો તેવા કિસ્સામાં, ઉદ્યોગો પાસેથી જે રીતે નિયમભંગના કેસમાં નાણાંકીય વળતર વસૂલવામાં આવે છે તે જ પદ્ધતિએ, આ એકમો પાસેથી પણ વળતર વસૂલવામાં આવશે. ગાઈડલાઈન કહે છે: છાણમૂત્ર સાથેનું આ વેસ્ટ વોટર અંતે નદીઓને દૂષિત કરે છે. અને તેમાંથી જુદાજુદા પ્રકારના વાયુઓ છૂટે છે. જેમાં કાર્બન ડાયોકસાઈડ, એમોનિયા, હાઇડ્રોજન સલ્ફાઇડ અને મિથેન ગેસનો સમાવેશ થાય છે જે હવાને પ્રદૂષિત કરે છે. આ બધી જ ચીજો નિયમિત રીતે એક ગોદામમાં સ્ટોર કરવાની રહેશે જેને બાદમાં ટ્રીટમેન્ટ આપવાની રહેશે. ઘાસચારો કે છાણમૂત્ર વગેરે ગટરમાં ઠાલવવા પર પ્રતિબંધ છે.
આ ઉપરાંત એમ પણ કહેવાયું છે કે, આ એકમોના તમામ કચરા અને વેસ્ટ વોટરને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમોને આધીન રહીને ટ્રીટમેન્ટ આપવાની રહેશે. આગામી સમયમાં આ બધાં જ એકમોએ આ ફોર્મ ભરવાના રહેશે અને અધિકારીઓની વિઝિટ બાદ એકમોને પરવાનો આપવામાં આવશે.