Mysamachar.in-જામનગર:
ગુજરાત સહિત દેશભરમાં લોકસભા ચૂંટણીઓના દિવસો શરૂ થઈ ચૂક્યા છે, જાહેર અને ખાનગી લોકસંપર્કની વ્યૂહરચનાઓ પૂરપાટ દોડી રહી છે, પરંતુ પક્ષોને ચિંતાઓ એ છે કે, મતદાનના દિવસે વધુને વધુ મતદાતાઓને મતદાન મથક સુધી કેવી રીતે ખેંચી લાવવા ? ગુજરાતમાં ચૂંટણીઓના ત્રીજા તબક્કા અંતર્ગત આખા રાજ્યમાં, 26 બેઠકો માટેનું મતદાન 7 મે ના રોજ છે.
સૌ જાણે છે એમ, મે મહિનાના આ પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં કાળઝાળ ઉનાળો ચાલી રહ્યો હશે, 7મી મે ના દિવસે, સવારે 11 થી બપોરના 4 વાગ્યા સુધીના પાંચ કલાક દરમિયાન, મતદાતાઓ ગરમીના કારણે મતદાન મથક સુધી પહોંચવા અને ત્યાં કતારમાં ઉભવાનું ટાળશે તો ? પક્ષોને આ ચિંતાઓ અત્યારથી સતાવી રહી છે. મહિલાઓ તડકામાં ભાગ્યે જ બહાર નીકળતી હોય છે. અને, મંગળવારનો રનિંગ દિવસ હોવાથી રજા ન હોવાને કારણે ઘણાં બધાં પુરૂષો પણ કામ પર હોય છે. સરકારે જો કે આ દિવસે રજા જાહેર કરી છે પણ લાખો પુરૂષો આ દિવસે જુદાં જુદાં કારણોસર કામ પર હોય છે, એ પણ હકીકત છે. દર વખતે ચૂંટણીઓમાં આ જાહેર રજા બધી જ જગ્યાએ રજા નથી હોતી, સરકારી કચેરીઓ અને બેન્કો વગેરેની વાત અલગ છે. બધાં પુરૂષો સરકારી કર્મચારીઓ નથી હોતાં અને બધે જ રજા નથી હોતી.
આ ઉપરાંત પક્ષોને ટેન્શન એ પણ છે કે, મે માસના આ દિવસોમાં સર્વત્ર વેકેશનનો માહોલ હોય છે. ગુજરાતીઓ વેકેશનમાં પરિવાર અને મિત્રો સાથે ફરવા જતાં રહેવાની માનસિકતા ધરાવે છે. અને, ઘણાં લોકો તો મતદાન અલગ અલગ કારણોસર ટાળવાનું વલણ પણ ધરાવતાં હોય છે. આથી પણ તેઓ મતદાનના દિવસે ઘરથી દૂર જતાં રહેતાં હોય છે. અને, આમેય ગુજરાતમાં અન્ય કેટલાંક રાજ્યો જેવું સરેરાશ ભારે મતદાન ભાગ્યે જ થતું હોય છે. આથી પણ પક્ષો અને સરકારી તંત્રો વધુને વધુ મતદાન માટે પુષ્કળ પ્રયાસો કરતાં હોય છે.
આ વખતે પક્ષો દ્વારા, હવે મતદાનના દિવસને પૂરો એક મહિનો પણ બચ્યો નથી છતાં, પ્રચાર પણ ધૂંઆધાર દેખાતો નથી, તે પણ મહત્વનો મુદ્દો છે. અને, બીજી તરફ માત્ર વિવાદોના વંટોળ ફૂંકાઈ રહ્યા છે ત્યારે, આ વખતે મતદાનનું પ્રમાણ અને પેટર્ન કેવા પ્રકારની હશે ? એ અંગે પક્ષો, નેતાઓ અને કાર્યકર્તાઓ બધાં જ ઉચાટ અનુભવી રહ્યા છે. ખુદ મતદાતાઓ એકમેકના મન કળવા જાતજાતની વાતો અને ચર્ચાઓ કરી રહ્યા છે, ચાકડો ધીમે ધીમે ગતિ પકડી રહ્યો છે ત્યારે સૌને એ જાણવાનો ઈંતજાર છે કે, આ ચાકડા પર જે ચીજ તૈયાર થશે, તેનો આકાર કેવો હશે ? મતદાનના દિવસ સુધી અને ત્યારબાદ પરિણામના દિવસ 4 જૂન સુધી બધે જ ચર્ચાઓનો આ ચાકડો ચક્કર લગાવતો જ રહેશે, એવું હાલ તો દેખાઈ રહ્યું છે.