Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જયારે કોઈ પણ મોતનો બદલો મોતથી લેવાનું જનુન સવાર થઇ જાય તો વ્યક્તિ કેવું કરી બેસે છે તેવો એક ચોકાવનારો કહી શકાય તેવો કિસ્સો દેવભૂમિ દ્વારકા જીલ્લામાંથી સામે આવ્યો છે જ્યાં કાકા અને પિતરાઈ ભાઈના મોતનો બદલો લેવા માટે એક કાયદાના રક્ષકે પોતે જ કાયદો હાથમાં લઇ અને હત્યાને અંજામ આપ્યા બાદ પોતે જાતે જ પોલીસ મથકમાં સરેન્ડર થયો હોવાની વિગત પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે પરબડી સીમમાં ગત તા.15મી જુલાઈના રાત્રે ખેડુત વૃધ્ધ વજુભા બનેસંગ જાડેજાની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યા બાદ ફરીયાદના આધારે પોલીસે આ ગુન્હા અંગે અલગ અલગ પાસાઓથી તપાસ ચલાવી રહી હતી,
પોલીસ તપાસ દરમિયાન હત્યાના બનાવમાં ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી દશરથસિંહ રણુભા જાડેજાની સંડોવણી હોવાનુ ખુલ્યુ હતુ. જે બાદ તપાસ ટીમ દ્વારા દશરથસિંહની શોધખોળ હાથ ધરાઈ હતી. જે દરમિયાન ગત રવિવારે રાત્રે દશરથસિંહ ખંભાળિયા પોલીસ મથકમાં ગુન્હાની તપાસ કરનાર અધિકારી સમક્ષ હાજર થયા હોવાનું પોલીસે જાહેર કર્યું છે.
આરોપી પોલીસકર્મી હાજર થયા બાદ તેની પોલીસ પુછપરછમાં આરોપી દ્વારા પોલીસ સમક્ષ એવી કબૂલાત આપવામાં આવી છે કે, ગત 2012ની સાલમાં મૃતક વજુભા જાડેજાની વાડીમાં ઈલેક્ટ્રીક કરંટ મૂકવામાં આવેલ હતો જે કરંટ લાગતા આરોપીના કાકા ઉપરાંત કાકાનો દીકરો બંનેના મૃત્યુ થયા હતા. આ બનાવ બાબતે જેતે સમયે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં મૃતકના દિકરા વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. પોલીસ પુછપરછમાં આરોપીએ પોતાના કાકા ઉપરાંત પિતરાઈ ભાઈના મૃત્યુનો બદલો લેવા માટે હત્યાની આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે સમગ્ર બનાવથી દેવભૂમિ દ્વારકા સહિતના પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે.(symbolic image)