Mysamachar.in:અમદાવાદ
વાહન અકસ્માત જામનગર સહિત સમગ્ર રાજયમાં ગંભીર વિષય છે. દરરોજ સેંકડો વાહન અકસ્માતો થાય છે. ઈજાઓના બનાવો અસંખ્ય બને છે અને મોતના બનાવો પણ પુષ્કળ બની રહ્યા છે, આમ છતાં આવા બનાવોમાં પોલીસની સક્રિયતા નજરે ચડતી ન હોવાથી આ આખો વિષય હવે વડી અદાલતમાં પહોંચ્યો છે. જાહેર હિતની એક અરજી દાખલ થઈ છે જેમાં પોલીસની નિષ્ક્રિયતાને મુદ્દો બનાવવામાં આવ્યો છે.
વડી અદાલતમાં જાહેર હિતની એક અરજી દાખલ થઈ છે. જેમાં જણાવાયું છે કે, વાહન અકસ્માતના કોઈ પણ બનાવમાં ઈજાઓ કે મૃત્યુનો મામલો હોય તેવા બનાવમાં સંબંધિત પોલીસ અધિકારીએ જ કેસ દાખલ કરીને મોટર વાહન અકસ્માત કોર્ટમાં મોકલી આપવાનો હોય છે. આ મુદ્દા અંગે સુપ્રિમ કોર્ટનો ચુકાદો પણ છે અને કાયદાકીય જોગવાઈ પણ છે આમ છતાં તેનું પાલન થતું ન હોવાની ફરિયાદ સાથેની જાહેર હિતની એક અરજી વડી અદાલતમાં દાખલ થઈ છે. આ અરજીની સુનાવણીમાં વડી અદાલતે સરકાર, શહેરી વિકાસ વિભાગ તથા વાહન વ્યવહાર વિભાગ સહિતના સંબંધિતોને નોટિસ મોકલાવી છે અને આગામી સુનાવણી આવતાં મહિને રાખી છે.
અરજદારપક્ષ તરફથી કરવામાં આવેલી જાહેરહિતની રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી છે કે, મોટર વાહન અકસ્માતના કોઈ પણ કેસમાં ઈજા કે મોતના બનાવમાં જેતે પોલીસ અધિકારીએ જાતે જ સમગ્ર કેસ મામલે ગુનો નોંધી તે કેસ સંબંધિત મોટર વાહન અકસ્માત ટ્રિબ્યુનલમાં દાખલ કરવો પડે અને ત્યારબાદ તે કેસની ટ્રાયલ ચાલી જાય. જેમાં પીડિતો અથવા આશ્રિતોને વળતરનો હુકમ ટ્રિબ્યુનલ તરફથી થાય. અરજીમાં જણાવાયું છે કે, આ મામલે ખુદ સુપ્રિમ કોર્ટે 2009માં ચુકાદો આપેલો છે અને મોટર વાહન અકસ્માત અંગેના કાયદાની કલમ- 158(3) અન્વયે પણ કાયદાની સ્પષ્ટ જોગવાઈ છે. પરંતુ પોલીસતંત્ર દ્વારા કે સત્તાવાળાઓ દ્વારા તેનું આટલાં વર્ષો બાદ પણ પાલન કરવામાં આવતું નથી કે તેની અમલવારી થતી નથી.
જેના કારણે મોટર વાહન અકસ્માતના કેસોમાં ભોગ બનનાર કે મૃતકના પરિજનો કે તેનાં આશ્રિતોને પોતાના ખર્ચે ખાનગી વકીલ રોકી વળતર મેળવવા માટે ન્યાયની લડત લડવાની ફરજ પડતી હોય છે. ખરેખર તો કોર્ટમાં આશ્રિત આવી કોઈ અરજી કરે તેની રાહ જોવાની હોતી નથી. આ સુનાવણી દરમિયાન એ હકીકત પણ બહાર આવી કે, પોલીસ તરફથી આવી કોઈ વિગતો કે ડેટા સરકારને આપવામાં આવતો નથી ! (અત્રે પ્રશ્ન એ છે કે, સરકાર આ ડેટા અને વિગતો પોલીસ પાસે માંગતી કેમ નથી ?!)