Mysamachar.in-જામનગર:
જામનગરનું દરેડ ખાતેનું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વધુ એક વખત સમાચારમાં ચમકયું. અહીંથી બદલીઓ પામેલાં 2 કર્મચારીઓ વિરુદ્ધની તપાસ આકરા તબક્કામાં પહોંચી ચૂકી છે. મામલો સરકારી નાણાંની ઉચાપતનો હોય, ગાંધીનગર સ્થિત ઉચ્ચ અધિકારી એસ.જે.ડુમરાળીયા આ બાબતે જરા પણ કચાશ છોડવા માંગતા નથી અને તેઓએ આ મામલામાં પોલીસ ફરિયાદનો ઓર્ડર પણ કરી દેતાં હવે આ કથિત ઉચાપતના મામલામાં પોલીસની પણ એન્ટ્રી થઈ ગઈ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર નજીક દરેડમાં આવેલાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં સરકારી ગ્રાન્ટના નાણાંની ઉચાપત થઈ હોવાનો ગણગણાટ થોડાં સમય અગાઉ શરૂ થયેલો. ત્યારબાદ GCERT(ગાંધીનગર)ના અધિકારીની સૂચનાઓ મુજબ, આ ભવનમાંથી બે લેક્ચરરની બદલીઓ કરી નાંખવામાં આવી. એક લેક્ચરરને છેક છોટાઉદેપુર અને બીજા લેક્ચરરને આણંદ મૂકી દેવામાં આવ્યા.
ત્યારબાદ ઉચ્ચ અધિકારી એસ.જે.ડુમરાળીયાએ મામલાની વિગતો તપાસી. આંકડાનો પીછો કર્યો. આ તપાસ અંતર્ગત પ્રાથમિક રીતે જાણવા મળી આવ્યું કે, કંઈક ખોટું તો થયું જ છે. આથી ઓડિટ વિભાગને સૂચનાઓ આપવામાં આવી કે, બરાબર તપાસ કરો, મામલો શું છે અને કેટલી રકમનો છે તથા ખોટું શું થયું છે. ગાંધીનગર સ્થિત આ ઉચ્ચ અધિકારીએ Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં આજે જણાવ્યું કે, આ મામલામાં જે કોઈપણ જવાબદાર હોય તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે.