Mysamachar.in-અમદાવાદ
હજુ તો તાજેતરની જ વાત છે કે અમદાવાદમાં એનઆરઆઈ વૃદ્ધની આંખમાં મરચાની ભૂંકી નાખી લુંટને અંજામ આપવામાં આવ્યાની ઘટના તાજી છે, ત્યાં જ આજે અમદાવાદ શહેરના હેબતપુરા વિસ્તારમાં લૂંટના ઈરાદે બે સીનિયર સીટીઝન દંપતિની ઘાતકી હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે આ ઘટનામાં પોલીસે હાલ ચોરી કે લૂંટના ઇરાદે હત્યા કરાયાની આશંકાથી પ્રાથમિક તપાસ શરૂ કરી છે. આ કેસમાં ઘરઘાટી કે જાણભેદુ શખ્સોએ હત્યા કરી હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. હેબતપુરા ચાર રસ્તા પાસે આવેલા શાંતિ પેલેસ બંગ્લોઝમાં જાણીતા પટેલ પરિવારના બે સભ્યોની ચોરીના ઈરાદે ઘરમાં ઘુસેલા શખ્સોએ હત્યા કરી હતી.
સીનીયર સીટીઝન દંપતીમાં અશોકભાઈ પટેલ અને જ્યોત્સનાબેન પટેલના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાઈ હતી.પોલીસને આ મામલે ઘરઘાટી અથવા તો જાણભેદુ શખ્સોએ હત્યા નીપજાવી હોવાની આશંકા છે. તે ઉપરાંત તેમના ઘરનો દરવાજો પણ તોડી નાંખવામાં આવ્યો છે. વૃદ્ધ દંપતીનો બંગલો મેઈન રોડ પર આવેલો છે. અને ટ્રાફિકથી ધમધમતો હોય છે. તેવામાં ચાર જેટલાં લોકોએ ઘરમાં ઘૂસીને દંપતીની હત્યા કરી દેતાં લોકોની સુરક્ષા સામે સવાલ ઉઠી રહ્યા છે.